નવી દિલ્હી, તા. 17 : ગંગા,યમુના
અને સરસ્વતીના પવિત્ર સંગમે શ્રદ્ધા અને આસ્થાથી ઓતપ્રોત સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ, કલ્પવાસીઓ
અને તમામ લોકો સ્નાનનો નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. ગત 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી
વચ્ચે માત્ર 6 દિવસની અંદર 7 કરોડથી પણ વધારે લોકોએ ત્રિવેણી સંગમે આસ્થાની ડૂબકી લગાડી
છે. ગુરુવારે પણ 30 લાખથી વધારે લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
યુપીની યોગી સરકારનું અનુમાન
છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધારે લોકો આવશે. મહાકુંભની શરૂઆતે જ સાત કરોડ લોકોનું સ્નાન અનુમાન તરફ ઈશારો કરે છે.
મહાકુંભમાં 11 જાન્યુઆરીના રોજ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું હતું.
12 જાન્યુઆરીએ 65 લાખ લોકોના
સ્નાન કરવાનો રેકોર્ડ નોંધાયો હતો. જ્યારે બે દિવસ પહેલા જ એક કરોડથી વધારે લોકોએ પવિત્ર
ડૂબકી મારી હતી. મહાકુંભના પહેલા દિવસે પોષ પુર્ણિમાના સ્નાન પર્વએ 1.70 કરોડ લોકોએ
સ્નાન કર્યું હતું અને સંક્રાંતિએ 3.50 કરોડ લોકોએ સંગમમાં શ્રદ્ધા સાથે ડૂબકી મારી
હતી.