-જંગલેશ્વરમાં ડિમોલિશન બાદ ખુલ્લા કરાયેલા ટીપી રોડ સહિત રાજકોટમાં રૂ. 751.19 કરોડના 45 પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.28 : ગુજરાત રાજ્યનું વિકાસ મોડેલ અને વિકાસકામો માટે ગુજરાતનું નાણાકીય મેનેજમેન્ટ
સમગ્ર દેશમાં પ્રથમસ્થાને હોવાનું આજે રાજકોટના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલે જણાવ્યું હતું.
શહેરના
રૈયારોડ ઉપર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આજે બપોરે 3 કલાકે કોર્પોરેશન હસ્તકના
રૂ.751.19 કરોડના 45 પ્રકલ્પનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ
પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. મુખ્યમંત્રી દ્વારા જંગલેશ્વરમાં ડિમોલિશન બાદ ખુલ્લા
કરાયેલા ટીપી રોડના ખાતમુર્હૂત ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.119.05 કરોડના
ખર્ચે નવનિર્મિત ઈડબલ્યુએસ-ટુ પ્રકારના આવાસોનું લોકાર્પણ કરીને 1010 પરિવારોને ઘરના
ઘરની ભેટ આપવામાં આવી હતી.
પોતાના
પ્રાસંગિક ઉદ્બોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ઈઝ ઓફ લિવીંગ અને અર્ન વેલ,
લિવ વેલ’ની નેમ સાથે રાજકોટને આજે 751 કરોડના વિકાસકામોની આજે ભેટ મળી રહી છે. આજે
કોઈ રાજ્ય, કોઈપણ જાહેરસભા કે, પ્રજાજનોનો કાર્યક્રમ હોય તેમાં વિકાસની વાત કરવી જ
પડે છે જેનો પાયો નાખનારા વડાપ્રધાન મોદી છે. આજે ગુજરાત સરકારનું બજેટ રૂ.4 લાખ 8
હજાર કરોડ આસપાસ પહોચ્યું છે. વર્ષ 2005માં જ્યારે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે
ગુજરાતનું બજેટ 38 હજાર કરોડ આસપાસ હતું, આજે એટલુ બજેટ માત્ર શહેરી વિકાસનું છે. ગુજરાત
સરકાર ક્યારેય આયોજનબદ્ધ વિકાસકાર્યોને નામંજૂર કરતી નથી.
તેઓએ
ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ ભારતના રાજકીય ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સરકારના
વડા તરીકેની સેવા આપવાનો ઐતિહાસિક વિકમ સ્થાપીને લોકસેવાનો નવો અધ્યાય લખ્યો છે. રાજકોટવાસીઓ
માટે એટલા માટે ગૌરવની વાત છે કે, વડાપ્રધાને જનપ્રતિનિધિ તરીકે પહેલી શરૂઆત રાજકોટથી
કરી હતી જે અખંડ ચાલી રહી છે.
તેમણે
ઉમેર્યું હતું કે, વડાપ્રધાને સરકારના વડા તરીકે 8931 દિવસ પૂર્ણ કર્યા છે. દેશના ગરીબો,
વંચિતો અને છેવાડાના લોકોની ચિંતા કરીને તેમના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. વિશ્વમાં
જે સંકટ ઉભું થયું છે તેમાં પણ દેશના સામાન્ય માનવીને પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ સમસ્યા
ન રહે તેવો માર્ગ અપનાવ્યો છે. અન્ય દેશોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધી રહ્યાં છે
જ્યારે ભારતમાં મોદીએ એક્સાઈઝ ડયુટી રૂ.13થી ઘટાડીને રૂ.3 તેમજ ડિઝલમાં ‘જીરો’ કરી
દીધી છે.
કાર્યક્રમમાં
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન
વાઘેલા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, કેસરીદેવ સિંહ ઝાલા, ધારાસભ્યો
ભાનુબેન બાબરિયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતા શાહ, શહેર ભાજપ અગ્રણી માધવ દવે, મ્યુનિ.કમિશનર
તુષાર સુમેરા, કલેક્ટર ઓમ પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
મુખ્યમંત્રીના
હસ્તે 117 વડીલોને 1117 જીવન સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું
શહેરમાં
આયોજિત અન્ય કાર્યક્રમોમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી જેમાં
સૌપ્રથમ તો તેઓ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ
દ્વારા આયોજિત દાદાનો હેતનો હોકારો કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે બાલાજી હોલ નજીક લેઉવા
પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગ ખાતે નવનિર્મિત ભવનનું લોકાર્પણ
તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, ભક્તિનગર સર્કલ પાસે આવેલા મેઘાણી રંગભવન
ખાતે વયોશ્રી યોજના અંતર્ગત વડીલોને વિવિધ જીવન સહાયક ઉપકરણોના વિતરણ કાર્યક્રમમાં
પણ તેઓ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં કુલ 117 વયોવૃદ્ધ નાગરિકોને રૂ.18.04 લાખની કિંમતના
રૂ.1117 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.