• રવિવાર, 29 માર્ચ, 2026

જમીન ભૂખ્યા ભાઈઓએ બહેનની ક્રૂર હત્યા કરી

નેસડામાં બહેનની હત્યાને હાર્ટ એટેકમાં ખપાવવાનું પિતરાઈ ભાઈઓનું કાવતરું નિષ્ફળ

(ફૂલછાબ ન્યૂઝ)

ઉના, તા.28 : ગિર સોમનાથના નેસડા ગામે લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ પોતાની જ બહેનની હત્યા કરી નાખી છે. પ્રેમલગ્નની લાલચ આપી આચરેલા આ ધૃણાસ્પદ અપરાધનો ઉના પોલીસે સાત દિવસની સઘન તપાસ બાદ પર્દાફાશ કર્યો છે. પોલીસે બંને શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક મનસુબેન હમાભાઈ ગોહિલ (ઉં.વ. 25) તેના માતા-િપતાના અવસાન બાદ પરિવારમાં એકમાત્ર સંતાન હોવાથી વારસામાં મળેલી 12 વીઘા જમીનની એકમાત્ર વારસદાર હતી. મનસુબેનને ગામના જ અને હાલ સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સતુભાઈ ખસિયા સાથે પ્રેમસંબંધ હતો. જોકે, મનસુબેનની જમીન પચાવી પાડવા તેના પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલને આ સંબંધ ખટકતો હતો. આરોપીઓને ભય હતો કે જો બહેન લગ્ન કરી લેશે તો વારસાની કિંમતી જમીન તેમના હાથમાંથી જતી રહેશે, જેના કારણે તેમણે આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું ખુલ્યું છે.

પોલીસ તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરોપી વિક્રમ ગોહિલે અગાઉથી જ મનસુબેનને વિશ્વાસમાં લઈ લીધી હતી. તેણે બહેનને ખાતરી આપી હતી કે તે તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપશે. ભાઈના વિશ્વાસમાં આવી ગયેલી બહેને લાલચુ પિતરાઈ વિક્રમના નામે પોતાની અડધી જમીન પણ કરી આપી હતી. જોકે, આટલાથી સંતોષ ન માનતા બંને ભાઈઓની નજર મનસુબેન પાસે રહેલી બાકીની કિંમતી જમીન પર હતી, જેના કારણે તેમણે આ ક્રૂર કાવતરું રચ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસ તપાસમાં મળેલી કડીઓ મુજબ, હત્યાના જઘન્ય અપરાધ પર પડદો પાડવા માટે બંને નરાધમ ભાઈઓએ મૃતક બહેનનો અગ્નિ સંસાર પણ તાત્કાલિક કરી દીધો હતો અને ઘટનાને ‘હાર્ટ એટેક’માં ખપાવવા માટે વ્યવસ્થિત નાટક રચ્યું હતું.મનસુબેનના આકસ્મિક મૃત્યુના સમાચાર તેના પ્રેમી સુધી પહોંચતા જ તેને આ ઘટનાક્રમ શંકાસ્પદ જણાયો હતો, જેના આધારે તેણે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ઉના પોલીસે આ મામલાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદોના નિવેદનો નોંધ્યા હતા અને ટેકનિકલ પુરાવા માટે જિકની મદદ લીધી હતી. તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે યુવતીનું મૃત્યુ કુદરતી નહીં, પરંતુ ક્રૂર હત્યા હતી. પોલીસ સમક્ષ થયેલા ખુલાસા મુજબ, આરોપી વિક્રમે બહેનનું ગળું દબાવ્યું હતું, જ્યારે મનુએ તેને પ્રતિકાર કરતા રોકવા માટે તેના હાથ-પગ મજબૂતીથી પકડી રાખ્યા હતા.પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક