• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભારત-બાંગ્લાદેશ વચ્ચે 10 મહત્ત્વની સમજૂતી

ભારતનાં બે દિવસીય પ્રવાસે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના : ભારત બાંગ્લાદેશ માટે મેડિકલ ઇ-વિઝા સુવિધા શરૂ કરશે

નવીદિલ્હી, તા.22 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સમુદ્રી ક્ષેત્ર અને સમુદ્રી અર્થતંત્ર(બ્લ્યૂ ઇકોનોમી)માં સંબંધોને ઘનિષ્ઠ બનાવવ સહિતનાં અનેક મહત્ત્વના સમજૂતી કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીના વચ્ચે વ્યાપક વાટાઘાટનાં અંતે આ સમજૂતીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે 10 મહત્ત્વના કરારો બન્ને દેશ વચ્ચે કરવામાં આવ્યા છે, તેમાં ડિજિટલ તખ્તા ઉપર સંબંધોને મજબૂત બનાવવા અને હરિત ભાગીદારી સહિતનો સમાવેશ થાય છે.

બન્ને દેશે રેલવે સંપર્ક વિસતારવા માટે પણ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીઓ પછી પ્રધાનમંત્રી મોદીએ પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, આજે નવા ક્ષેત્રોમાં સહયોગનાં ભાવિનો દૃષ્ટિકોણ તૈયાર કરવામાં આવ્યો છે. હરિત ભાગીદારી, ડિજિટલ ભાગીદારી, સમુદ્ર આધારિત અર્થતંત્ર અને અંતરિક્ષ જેવાં ક્ષેત્રોમાં સહયોગ માટે કરવામાં આવેલી સમજૂતીથી બન્ને દેશના યુવાનોને લાભ થશે.

ભારતનાં બે દિવસીય પ્રવાસે આવેલાં બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતને પ્રમુખ પાડોશી અને ભરોસાપાત્ર મિત્ર દેશ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી ભરોસાપાત્ર અને ક્ષેત્રીય ભાગીદાર દેશ છે. ભારત સાથેનાં સંબંધોને બાંગ્લાદેશ વિશેષ મહત્ત્વ આપે છે.

ભારતે બાંગ્લાદેશનાં નાગરિકોને મેડિકલ ઇ-વિઝાની સુવિધા આપવાનું એલાન પણ કર્યું છે. આનાં માટે ભારત સરકાર બાંગ્લાદેશનાં રંગપુરમાં એક ઉપદૂતાવાસ પણ ખોલશે. આ ઉપરાંત બન્ને દેશ તીસ્તા નદીનાં જળ વિભાજન ઉપર ચર્ચા માટે ટેકનિકલ ટીમ મોકલવા માટે પણ સહમત થયા છે.

બન્ને દેશ વચ્ચે જે 10 સમજૂતી કરવામાં આવી છે, તેમાં ડિજિટલ ભાગીદારી, હરિત ભાગીદારી, મેરિટાઇમ સહયોગ, સમુદ્રી અર્થતંત્ર, અંતરિક્ષ, રેલ જોડાણ, સમુદ્રી સંશોધનો, સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ, સ્વાસ્થ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરાંત મત્સ્ય પાલન સંબંધિત સમજૂતીઓનો સમાવેશ થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક