• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ભીષણ ગરમીને બગાડી સ્થિતિ : શાકભાજી-દાળની કિંમતમાં આગ ચોમાસું રફતાર પકડશે તો ઓગસ્ટ મહિનાથી શાકભાજીની કિંમતમાં રાહતની આશા

નવી દિલ્હી, તા. 22 : ગયાં વર્ષે નવેમ્બર મહિનાથી જ ભારતમાં ખાવા-પીવાની વસ્તુઓની મોંઘવારી આઠ ટકા આસપાસ છે. જેનું મુખ્ય કારણ હવામાન છે. વિપરીત આબોહવાનાં કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. જો કે આ વખતે ચોમાસું વહેલું છે અને વરસાદ પણ સારો પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે હજી કિંમતમાં રાહત મળવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. તેવામાં ખાવાપીવાની વસ્તુઓની વધતી કિંમત ચિંતાનો વિષય બનેલી છે. જેની પાછળ લોકોના કુલ ખર્ચનો અડધો હિસ્સો લાગે છે અને તેનાથી જ મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્કના 4 ટકાના લક્ષ્યથી ઉપર છે. આવી પરિસ્થિતિનાં કારણે વ્યાજ દરોમાં પણ કાપ શક્ય બની રહ્યો નથી.

ખાવાપીવાની વસ્તુઓની મોંઘવારી પાછળ ઘણાં કારણો છે. જેમાં મુખ્ય રીતે હવામાનની માર, સપ્લાઇ ચેનમાં બાધા અને વાવણીમાં વિલંબ મુખ્ય છે. ગયાં વર્ષે દુષ્કાળની સ્થિતિ અને ચાલુ વર્ષે પડી રહેલી ભીષણ ગરમીએ દાળ, શાકભાજી અને અનાજ જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની સપ્લાઈને પ્રભાવિત કરી છે. દેશના લગભગ અડધા હિસ્સામાં તાપમાન સામાન્યથી 4-9 ડિગ્રી વધારે રહેવાથી કાપેલા અને સ્ટોર કરેલા શાકભાજી ખરાબ થયા છે. ડુંગળી, ટમેટાં અને પાલક જેવા પાકોની વાવણીમાં વિલંબ થયો છે.

કિસાનો સામાન્ય રીતે જુન-સપ્ટેમ્બરના ચોમાસા પહેલાં જ શાકભાજી તૈયાર કરે છે પણ ચાલુ વર્ષે વધુ પડતી ગરમી અને પાણીની કમીના કારણે વાવણી થઈ શકી નથી. જો કે આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે અને ઝડપથી પૂરા દેશમાં ફેલાઈ રહ્યું છે. જો કે આ રફતાર ફરી નબળી પડી છે. આ જ કારણથી સીઝનમાં અત્યાર સુધીમાં 18 ટકાથી ઓછો વરસાદ પડયો છે. હવે ચોમાસું ફરી રફતાર પકડે અને પૂરા દેશમાં પૂરતો વરસાદ શરૂ થાય તો ઓગસ્ટ મહિનાથી શાકભાજીની કિંમતમાં ઘટાડો શરૂ થવાની આશા છે. આ દરમિયાન સરકાર પણ ખાદ્ય પદાર્થોની કિંમતમાં થતી વૃદ્ધિને રોકવા પગલાં ભરી શકે છે. જો કે શાકભાજીની કિંમતને લઈને સરકાર વધુ કોઈ પગલાં ભરી શકતી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક