• રવિવાર, 28 એપ્રિલ, 2024

રાજકોટમાં ટાટ-2 મેઈન્સની પરીક્ષામાં 94 ટકા હાજરી

 

પેપર એકંદરે સરળથી મધ્યમ રહ્યું હોવાનો ઉમેદવારોનો સૂર

રાજકોટ, તા. 17: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે રાજ્યમાં રાજકોટ સહિત જિલ્લા મથકો પર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ મુખ્ય કસોટીની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 94.31 ટકા ઉમેદવારો હાજર અને 5.69 ટકા ગેરહાજર રહ્યા હતા. 

રાજકોટમાં ટાટ-રની પરીક્ષા માટે 10672 ભાવિ શિક્ષકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 10065 હાજર રહ્યા હતા. પરીક્ષા માટે 61 કેન્દ્રમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બે સેશનમાં લેવાયેલી પરીક્ષામાં ઓબ્જેક્ટીવ પ્રકારના 100-100 માર્કના પ્રશ્નો પૂછાયા હતા. સવારે 10-30 કલાકના પહેલા સેશનમાં જનરલ પ્રશ્નપત્ર પૂછાયું હતું. જે સરળથી મધ્યમ કક્ષાનું રહ્યું હતું. પ્રશ્નપત્રમાં શૈક્ષણિક બાબતો પર વિશેષ ભાર મુકાયો હતો.

બપોરના સમયે શિક્ષકોએ રાખેલા જુદા-જુદા વિષયોનું પેપર પૂછાયું હતું. એકંદરે પેપર સરળ રહ્યા હતા. 120 માર્ક પાસીંગ માટે રાખવામાં આવ્યા છે. પરીક્ષા માટે સરકારી તંત્ર તરફથી ચોરી-ગેરરીતિ થાય તેની ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી વ્યવસ્થા ગોઠવાઈ હતી. ઓબ્ઝર્વરોને જવાબદારી સોંપાઈ હતી, પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક