• શનિવાર, 13 જુલાઈ, 2024

વિશ્વકપમાં પાકિસ્તાની ખેલાડીઓ પરિવાર સાથે ગયા હતા અમેરિકા

હોટલમાં પરિવારના સભ્યો માટે 60 રૂમ હતા બૂક : ખરાબ પ્રદર્શન બાદ નિશાને પાક. ટીમ

નવી દિલ્હી, તા. 22 : જ્યારથી પાકિસ્તાની ટીમનો ટી20 વિશ્વકપનો પ્રવાસ પૂરો થયો છે ત્યારથી જ ટીમ આલોચનાનો શિકાર બની રહી છે. ખેલાડીઓ પ્રત્યે નારાજગીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે અહેવાલ સામે આવ્યો છે કે પાકિસ્તાની ખેલાડીઓ પોતાના પરિવારની સાથે અમેરિકા ગયા હતા. જેનાં કારણે પાકિસ્તાની ટીમની સતત આલોચના થઈ રહી છે જ્યારે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ આવા દાવા અને અહેવાલોનો સામનો કરવા માનહાનીના નિયમનો ઉપયોગ કરવાનો વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાની ટીમ પહેલો મેચ અમેરિકા સામે અને બીજો મેચ ભારત સામે હારી થઈ હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર ટી20 વિશ્વકપ 2024 માટે પાકિસ્તાની ટીમનું 34 સભ્યનું ગ્રુપ અમેરિકા ગયું હતું. ઉપરાંત વધુ 26-28 સભ્ય એવા પણ હતા જે પરિવારવાળા હતા. જે હોટલમાં જ રોકાયા હતા. આ સભ્યો ખેલાડીઓની પત્નીઓ, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેન પણ સામેલ હતા. રિપોર્ટ અનુસાર બાબર આઝમ, હારિસ રઉફ, શાદાબ ખાન, ફખર જમાન અને મોહમ્મદ આમિર એવા ખેલાડીઓમાં સામેલ હતા જે પરિવારના સભ્યોને અમેરિકા લઈ ગયા હતા. બાબર આઝમના લગ્ન થયા નથી પણ તેનાં માતા-પિતા અને ભાઈ ટીમ હોટલમાં રોકાયા હતા.

એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરિવારને લઈ જવાથી જે વધુ ખર્ચ થયો છે તેની ચુકવણી ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે પણ આવી બાબતથી ખેલાડીઓની રમત ઉપર પ્રભાવ પડે છે. વધુ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટીમ જ્યાં રોકાઈ હતી તે હોટલમાં અન્ય લોકો માટે 60 રૂમ બૂક કરવામાં આવ્યા હતા. આ જગ્યાએ એકદમ પારિવારિક માહોલ હતો અને અમુક ખેલાડીઓ માટે ટેક અવે ડિનર અને બહાર જવું એકદમ સામાન્ય હતું.

ઇ-પેપરના નવા શુલ્ક