• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નીટ પેપર લીકનો ફાયદો કેટલા ‘મુન્નાભાઈ’એ ઉઠાવ્યો?: સુપ્રીમ

જો સોશિયલ મીડિયામાં પેપર ફૂટયું હોય તો ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડે : વધુ સુનાવણી ગુરુવારે

સર્વોચ્ચ અદાલતે કહ્યું, પેપર ફૂટયાનું નકારવું તે સમસ્યા મોટી કરવા સમાન

નવીદિલ્હી, તા.8: વિવાદોમાં ઘેરાઈ ગયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2024 સંબંધિત 38 અરજી ઉપર આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, નીટ-યુજીની શુદ્ધતા નષ્ટ થઈ ગઈ છે અને જો તેનાં ફૂટેલા પ્રશ્નપત્ર સોશિયલ મીડિયાનાં માધ્યમથી પ્રસારિત કરી દેવાયા હોય તો પછી બીજીવાર પરીક્ષા યોજવાનો આદેશ આપવો પડશે. જો ઇલેક્ટ્રોનિક માધ્યમોથી પેપર લીક થાય તો તે દાવાનળની જેમ ફેલાઈ જાય અને એક વાત તો સ્પષ્ટ છે કે, પેપર લીક થયું છે.

સુપ્રીમ કોર્ટે એનટીએને સવાલ કર્યો હતો કે, જો એવું માની લેવામાં આવે કે સરકાર પરીક્ષા રદ નહીં કરે તો તે ફૂટેલા પેપરનાં લાભાર્થીઓની ઓળખ કરવા માટે શું કરશે? જો સોશિયલ મીડિયાનાં માધ્યમથી પેપર લીક થયું હોય તો પછી બીજીવાર પરીક્ષાનો આદેશ આપવો જ પડે. જે થયું છે તેને આપણે નકારવું ન જોઈએ.

શીર્ષ અદાલતે કહ્યું હતું કે, તે જાણવા માગે છે કે, પેપર લીક થવાનો ગેરલાભ કેટલા લોકોને થયો હતો અને કેન્દ્ર સરકારે તેની સામે શું કાર્યવાહી કરી ? ખોટું કરનારા કેટલા લોકોનાં પરિણામો રોકવામાં આવ્યા છે અને તે ભૌગોલિક રીતે કયા પ્રદેશનાં છે તે અદાલત જાણવા માગે છે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની પીઠે આગળ કહ્યું હતું કે, પેપર ફૂટયું હતું તેમાં કોઈ શંકા નથી. અમે લીકની સીમા તપાસીએ છીએ. આમાં કેટલાક ચેતવણીના સંકેત પણ છે, કારણ કે 67 ઉમેદવારે 720માંથી 720 ગુણ મેળવ્યા છે જ્યારે અગાઉનાં વર્ષોમાં આનું પ્રમાણુ બહુ ઓછું હતું.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી(એનટીએ)ને પાંચમી મેના યોજાયેલી પરીક્ષામાં ખોટી રીતે લાભ લેનારાઓ સામે કાર્યવાહી માટે પણ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે પેપર લીકના આરોપો નકારવા સમસ્યા વધારવા સમાન બની જશે.

પરીક્ષાને સંપૂર્ણપણે બીજીવાર યોજવા સંબંધે વિચારણા માટે સીજેઆઇ ચંદ્રચૂડની પીઠે એનટીએને પેપર લીકની પ્રકૃતિ, લીક થયા તે સ્થાન અને પેપર લીક અને પરીક્ષાનાં આયોજન વચ્ચેનાં સમય વિશે સુપ્રીમ કોર્ટે સમગ્ર જાણકારીઓ માગી છે.

પીઠે સીબીઆઇને તપાસની સ્થિતિ અને તપાસ દરમિયાન એકત્ર થયેલી સામગ્રી સંબંધિત એક સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અદાલતે પોતાના આદેશમાં કહ્યું હતું કે, તપાસ દરમિયાન એકત્રિત સામગ્રીને તપાસ અધિકારીઓએ ત્યારે રજૂ કરવી જોઈએ જ્યારે લીક થવાનો આરોપ લાગ્યો અને જ્યારે પેપર લીક ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, જો સંભવ હોય તો ધાંધલીના લાભાર્થીઓની ઓળખ કરવા માટે ટેકનોલોજી અને કાયદાનો ઉપયોગ કરવામાં આવે. જેથી 23 લાખ છાત્રને બીજીવાર પરીક્ષા આપવાની જરૂર ન પડે. આ મામલે હવે આગામી સુનાવણી 11 જુલાઈએ થશે.

ગત સપ્તાહે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ થયેલા પ્રાથમિક સોગંદનામામાં કેન્દ્ર સરકારે નીટ-યુજી પરીક્ષાને રદ કરવાનાં વિરોધમાં કહ્યું હતું કે, સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવે તો લાખો ઈમાનદાર છાત્રોને નુકસાન થશે. શિક્ષા મંત્રાલયે પેશ કરેલા આ સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે, અખિલ ભારતીય પરીક્ષામાં ગોપનિયતાના મોટા પાયે ઉલ્લંઘનના પુરાવાના અભાવમાં આખી પરીક્ષા અને પહેલાં ઘોષિત પરિણામોને રદ કરવા તર્ક સંગત નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક