• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

મંત્રીમંડળનું વિસ્તરણ ! મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માગ

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યક્ષ ભુપત ડાભીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો

તમામ વાતો પાયાવિહોણી, કોઈ હિતેચ્છુએ વાત કરી હોવાની કુંવરજી બાવળિયાએ કરી સ્પષ્ટતા

અમદાવાદ, તા.8 : રાજ્યમાં ભાજપ દ્વારા સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની અટકળો તેજ છે ત્યારે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યક્ષ ભુપત એમ. ડાભીએ જસદણનાં ધારાસભ્ય અને કોળી સમાજનાં આગેવાન અને મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નવો વિવાદ છેડયો છે. જો કે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ વાતને નકારી છે.

દિલ્હીમાં વડાપ્રધાન સાથે તેમણે તાજેતરમાં મુલાકાત કરી હતી ત્યારે અચાનક દિલ્હી દરબારમાં કુંવરજીની હાજરીથી પણ ચર્ચા ઉઠી છે. આ ચર્ચાઓ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, હું ભાજપનો કાર્યકર છું અને મને ખબર નથી આવી રજૂઆત થાય છે પણ કેબિનેટ મંત્રી તરીકે હું સંતુષ્ટ છું. મુખ્યમંત્રી બનાવવાની વાત પાયાવિહોણી છે. આવી બાબતોનો નિર્ણય હાઈકમાન્ડ જ લેતું હોય છે.

ગુજરાતમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26માંથી 25 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે. જ્યારે એક સીટ કોંગ્રેસનાં ફાળે જતા ભાજપનાં કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ હતી તેમજ લોકસભા ચૂંટણી વખતે ભાજપમાં ચાલી રહેલો વિખવાદ પણ અમુક લોકસભા સીટ પર જોવા મળ્યો હતો. પક્ષ વિરોધી કામગીરી કરનાર લોકો સામે પ્રદેશ મોવડી મંડળ ટૂંક જ સમયમાં કાર્યવાહી તેમજ પ્રદેશ સંગઠન અને સરકારમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. આ બાબતનો ઉલ્લેખ તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે યોજાયેલી બૃહદ પ્રદેશ કારોબારીમાં પણ થયો હતો.

આ બધા વચ્ચે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમનાં પૂર્વ અધ્યકક્ષ ભુપત એમ. ડાભી દ્વારા વડાપ્રધાનને પત્ર લખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને મુખ્યમંત્રી બનાવવા રજૂઆત કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્ર કોળી સમાજ તેમજ ગુજરાતનાં ઉત્તર ગુજરાતનાં ઠાકોર સમાજ દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. કોળી સમાજની લાગણી અને માગણી છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનું પદ કુંવરજીભાઈ બાવળીયાને મળે.

ભુપત ડાભીએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોળી સમાજમાં સર્વે કરીને મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. કુંવરજીભાઈના કહેવાથી લોકોએ મત ભાજપને આપ્યો છે. ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે. કુંવરજી બાવળીયા જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય. અમારામાં નેતા ઘણા છે પણ કુંવરજીભાઈ જેવા ભણેલા ગણેલા અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહી.

ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરુ થયો છે અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યાંરે આ મામલે શક્તાસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો તે હવે બોલી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક