• શનિવાર, 13 જુલાઈ, 2024

મુસ્લિમ મહિલાઓને પણ તલાક પછી મળશે ભરણપોષણ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો : મહિલાઓનો આ અધિકાર ધર્મના સીમાડાથી પર

નવીદિલ્હી, તા.10: મુસ્લિમ મહિલાઓને પણ હવે તલાક બાદ ભરણપોષણ મળશે. સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ફેંસલો આપતા કહ્યું હતું કે, સીઆરપીસીની કલમ 12પ હેઠળ હવે મુસ્લિમ મહિલાઓને પણ તલાક પછી ગુજરાન માટે ભરણ પોષણ મેળવવા માટે કાયદાનો ઉપયોગ કરી શકશે. ધર્મને આની સાથે કોઈ મતલબ નથી.

જસ્ટિસ બી.વી.નાગરત્ના અને જસ્ટિસ  ઓગસ્ટીન જ્યોર્જ મસીહની પીઠે આ ફેંસલો આપતા કહ્યું હતું કે, કલમ 12પ હવે તમામ પરિણીત મહિલાઓને લાગુ થશે. આ સાથે જ કોર્ટે ભારતીય સમાજમાં ઘરેલુ મહિલાઓની સ્થિતિ વિશે પણ અત્યંત મહત્ત્વની ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે જ્યારે ભારતીય પુરુષોએ હોમમેકર્સની ભૂમિકા સમજવી પડશે. એક ગૃહિણી પોતાનાં પરિવાર માટે બહુ ત્યાગ કરે છે.

એક મુસ્લિમ શખસે પોતાની પૂર્વ પત્નીને 10 હજાર રૂપિયા ગુજરાન પેટે ચૂકવવાનો હૈદરાબાદ હાઇ કોર્ટનો વચગાળાનો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેની દલીલ હતી કે મુસ્લિમ મહિલા (વિવાહ વિચ્છેદ અધિકાર સંરક્ષણ) અધિનિયમ 1986 અનુસાર તલાકશુદા મુસ્લિમ મહિલા દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 12પ હેઠળ ભરણ પોષણ મેળવી શકતી નથી. જો કે દેશની શીર્ષ અદાલતે આ દલીલને ખારિજ કરી નાખી છે અને પુષ્ટ કર્યું હતું કે, મુસ્લિમ મહિલાઓને પણ સામાન્ય કાયદા હેઠળ ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે.

પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભરણ પોષણ દાન નહીં બલકે શાદીશુદા મહિલાઓનો મૂળભૂત અધિકાર છે. આટલું જ નહીં કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે, આ અધિકાર ધર્મની સીમાઓથી પર છે અને તમામ વિવાહિત મહિલાઓને માટે લૈંગિક સમાનતા અને આર્થિક સુરક્ષાનાં સિદ્ધાંતને આ કાયદો મજબૂત કરે છે.

પરિવારમાં ગૃહિણીઓની ભૂમિકા ઉપર પ્રકાશ પાડતા કોર્ટે કહ્યું હતું કે, એ જરૂરી છે કે પતિ પોતાની પત્ની આર્થિક સહયોગ કરે. પતિ-પત્નીએ બેન્કમાં સંયુક્ત ખાતું ખોલાવીને રાખવું જોઈએ અને એટીએમ કાર્ડ પત્નીને આપીને તેને પણ તેનો ઉપયોગ કરવા દેવો જોઈએ. જેનાથી જીવનમાં એક આર્થિક સ્થિરતા આવશે અને મહિલાને ઘરમાં સન્માનિત હોવાનો અનુભવ પણ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક