• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

બદરીનાથ હાઇ વે ઉપર ભૂસ્ખલનથી 2000 યાત્રી જોશીમઠમાં ફસાયા : રાજ્યમાં 250 સડકો ઠપ

પહાડીનો 25 મીટરથી વધુ હિસ્સો ધસી પડતા સડક ક્ષતિગ્રસ્ત : આસામમાં 6 ગેંડા પૂરમાં તણાયા

દેહરાદૂન, તા. 10 : ઉત્તરાખંડમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ સતત વરસાદ પડી રહ્યો છે. ચારધામ યાત્રા સહિત પર્વતીય રૂટ ઉપર ગયેલા યાત્રીઓની મુસિબત વધી છે. બદરીનાથ નેશનલ હાઇ વે ઉપર જોશીમઠમાં પ્રવેશ ભૂસ્ખલનનાં કારણે બંધ થયો છે જ્યારે ઉત્તરાખંડમાં 250થી વધારે સડકો ઉપર ટ્રાફિક પૂરી રીતે ઠપ થયો છે.  25 મીટરથી વધારે પહાડી હિસ્સો તૂટીને સડક ઉપર આવી જતા રસ્તો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. સડક બંધ થવાનાં કારણે અંદાજિત બે હજાર લોકો જોશીમઠમાં રોકાયા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પાતાલ ગંગા વિસ્તારમાં લેન્ડસ્લાઇડની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પહાડનો એક મોટો હિસ્સો નીચેની તરફ ધસી રહ્યો છે. આસામમાં પણ વિનાશકારી પૂરથી લાખો લોકો પરેશાન છે. આસામમાં અત્યારસુધીમાં પૂરથી 72 લોકો અને છ ગેંડાએ જીવ ગુમાવ્યો છે. કાજીરંગા નેશનલ પાર્કમાં પૂરનાં કારણે સ્થિતિ વણસી હતી.

મોટાપાયે ભૂસ્ખલન થવાનાં કારણે જોશીમઠમાં યાત્રીઓ અને વાહનોની ભીડ શરૂ થઈ હતી. બીજી તરફ સડક બંધ થવાની સૂચના મળતા જ બીઆરઓની ટીમ મશીનો સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને રસ્તો સાફ કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન જોશીમઠમાં મોટાભાગના તીર્થયાત્રીઓ પોતાનાં વાહનોની આડમાં આરામ કરી રહ્યા હતા અને પૂરો દિવસ પરેશાન થયા હતા. જેમાં મહિલાઓ પણ સામેલ છે. આશા અને રમા નામની તીર્થયાત્રીએ કહ્યું હતું કે, બદરીનાથ દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે સડક બંધ થઈ જતા જોશીમઠમાં ફસાયા હતા. બીજી તરફ મેદાની ક્ષેત્રોમાં પણ જોરદાર વરસાદ થઈ રહ્યો છે. કુમાઉથી લઈને ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાને લઈને પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારી કરવામાં આવી છે.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ કહેર વરસાવી રહ્યો છે. વિનાશકારી પૂરે 3000 ગામના 18 લાખ લોકોને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. આસામમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 72 લોકો અને 6 ગેંડાના જીવ ગયા છે. આસામના અભયારણ્ય વિસ્તારને પૂરે ચપેટમાં લીધો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ગુવાહાટીમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, પૂરનો પ્રભાવ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. બ્રહ્મપુત્ર અને તેના સંબંધિત નદીઓનું જળસ્તર નીચું આવી રહ્યું છે. આ દરમિયાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે કહ્યું હતું કે, પૂરનાં પાણીમાં ડૂબવાથી છ ગેંડા, 100 હોગ ડિયર અને બે સાબરનાં મૃત્યુ થયાં છે. વન વિભાગને પૂર દરમિયાન 97 જીવને બચાવવામાં સફળતા મળી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક