• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ઓસ્ટ્રિયાની મુલાકાત ઐતિહાસિક હોવા સાથે વિશેષ પણ : મોદી

41 વર્ષ બાદ ઓસ્ટ્રિયાની મુલાકાતે પહોંચેલા કોઈ ભારતીય પીએમનું ઉમળકાભેર સ્વાગત

ચાન્સેલર નેહમર અને મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

વિયના, તા. 10 : રશિયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાની ઐતિહાસિક યાત્રા કરી છે. ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ પીએમ મોદીને ઓસ્ટ્રિયા જવાનો અવસર મળ્યો છે. મોદીનો ઓસ્ટ્રિયાનો પ્રવાસ ઐતિહાસિક હોવાની સાથે વિશેષ પણ છે, કારણ કે 41 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રિયા પહોંચ્યા છે. બુધવારે રાજધાની વિયનામાં પીએમ મોદીએ ચાન્સેલર કાર્લ નેહમર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. ઓસ્ટ્રિયામાં પીએમ મોદીનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. જેના માટે મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ પ્રેસ મીટ દરમિયાન કહ્યું હતું કે, તેઓને ખુશી છે કે ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં જ ઓસ્ટ્રિયાની મુલાકાતની તક મળી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓ માટે યાત્રા ઐતિહાસિક હોવાની સાથે વિશેષ છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમએ ઓસ્ટ્રિયાનો પ્રવાસ કર્યો છે. આ સુખદ સંયોગ છે કે યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે દ્વિપક્ષીય સંબંધોને 75 વર્ષ પૂરાં થયાં છે. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે, લોકતંત્ર અને રૂલ ઓફ લો જેવાં મૂલ્યોમાં વિશ્વાસ બન્ને દેશના સંબંધોનો મજબૂત પાયો છે. પરસ્પર વિશ્વાસ અને હિતથી સંબંધોને બળ મળે છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને ચાન્સેલર નેહમર વચ્ચે સાર્થક વાતચીત થઈ હતી. બન્ને નેતાઓએ પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા નવી સંભાવનાઓ ઉપર ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ આતંકવાદ જેવા મુદ્દે પણ ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચાન્સેલર નેહમર સાથે વિશ્વમાં ચાલી રહેલા વિવાદો ઉપર વિસ્તારથી વાતચીત કરી છે. પહેલાં પણ તેઓએ કહ્યું છે કે આ સમય યુદ્ધનો નથી. અમે બન્ને આતંકવાદની કઠોર નિંદા કરી છે તેમજ સહમતી બની છે કે આતંકવાદ કોઈપણ રૂપમાં સ્વીકાર્ય નથી. વધુમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં બદલાવ માટે સહમતી બની છે. જેથી તેઓને સમકાલીન બનાવી શકાય. 

ઇ-પેપરના નવા શુલ્ક