• શનિવાર, 13 જુલાઈ, 2024

‘ગેમ ઝોન’ અગ્નિકાંડમાં જવાબદાર એકપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે : મુખ્યમંત્રી

ગાંધીનગરમાં પીડિત પરિવારોને રૂબરૂ મળીને ખાતરી આપતાં ભૂપેન્દ્ર પટેલ

ભાજપના કોર્પોરેટર કે ધારાસભ્યની સંડોવણી નીકળે તો તેઓ સામે પણ પગલાં લેવા પીડિત પરિવારોની માગણી

અમદાવાદ, તા. 10: આજે રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલા પરિવારના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી પીડિતોના ન્યાય માટે 12 મુદ્દા સાથેની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ પીડિત પરિવારોની વેદના સાંભળીને અગ્નિકાંડ પાછળ જવાબદાર એકપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નિવાસસ્થાને આયોજિત પીડિત પરિવારના સભ્યોની આ બેઠક આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યાં હતા. દરમિયાન મુખ્યમંત્રીએ પીડિત પરિવારોની વેદના સાંભળીને આશ્વાસન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કોઈપણ જવાબદાર વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

મુખ્યમંત્રીએ ખાતરી આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી, સરકાર તમારી જોડે છે. ન્યાય માટે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. આવા પરિવારોના જીવનનિર્વાહ અંગે પણ સરકાર ચિંતિત છે. તેમને ન્યાય મળે અને જવાબદારોને સજા મળે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. હજુ તેઓને કોઈ પ્રશ્ન હોય તો ગાંધીનગર આવીને તેમને ફરી મળી શકે છે.

જો કે, પીડિત પરિવારોએ રજૂ કરેલા કૂલ 12 મુદ્દામાં બાંયધરી આપવાની રજૂઆત કરી ત્યારે સરકારે લેખિતમાં બાંયધરી આપી ન હતી.

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારજનોએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ચારેક તપાસ સમિતિ બની છે. તેના રિપોર્ટ એક સરખા હોવાનું તેઓને જાણવા મળે છે. તમામ જવાબદારોને હજુ સુધી સજા થાય તેવી આશા દેખાતી નથી. અનેક પરિવારોનું જીવન નિર્વાહ ચલાવવાનો પ્રશ્ન આવી ગયો છે. આ ઘટના માટે તંત્રવાહકોની જવાબદારી નકકી કરવા પણ ખાસ સમિતિ બનાવવાની જરૂર છે.

પીડિત પરિવારોએ શું માગણી કરી ?

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જસ્ટિસ, ગુજરાત હાઇ કોર્ટના એક નિવૃત્ત ચિફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઇ કોર્ટના ત્રણ જસ્ટિસ અને એક નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીફ ફરજ બજાવેલ હોય તેવા જજની સુપરવિઝન કમિટી બે દિવસમાં બનાવવા માગણી

ટીઆરપી ઝોન અંગે જે તપાસ ચાલી રહી છે તેમાં આઇપીએસ સુધા પાંડે, સુજાતા મજૂમદાર અને નિર્લિપ્ત રાય આ ત્રણમાંથી કોઈપણ બે અધિકારીને તપાસ ટીમમાં લેવા તેમજ આ કમિટી 6 માસમાં તપાસનો રિપોર્ટ આપે તેવી માગ

ભાજપના કાઉન્સિલર સહિત ધારાસભ્યની સંડોવણી નીકળે તો પગલાં ભરીને ફરિયાદ કરવા તેમજ એસીબીઅને સીબીઆઇ તપાસની માગ

ટીઆરપી ગેમિંગ ઝોન રેસિડેન્સિયલ વિસ્તારમાં બનાવાયું હતું જે કોઈપણ અધિકારીએ અહીં ગેમઝોન બનાવવાની પરવાનગી આપી હોય તેમની સામે પણ પગલાં લેવા માગ

મૃત્યુ પામનાર પરિવારને રાજ્ય સરકાર અને કેન્દ્ર રકાર દ્વારા 50 લાખથી વધુ સહાય-વળતર ચૂકવવા માગ

આ પ્રકારના હત્યાકાંડમાં ફાંસની સજા સુધીની જોગવાઈ કરવાનો સુધારો સંસદનાં ચોમાસું સત્રમાં જ કરવામાં આવે તેવી માગ

આ કેસ માટે વધુ એક ખાસ સ્પેશિયલ પી.પી.ની જરૂર છે. હાઇ કોર્ટમાં તેમના વતી કેસ લડવા માટે ખાસ સરકારી વકીલ આપવા માગ

ઇ-પેપરના નવા શુલ્ક