• શનિવાર, 13 જુલાઈ, 2024

જામનગરના પરિવારના ચાર સદસ્યોના આપઘાત

ભાણવડના ધારાગઢ ગામેથી મળી આવ્યા મૃતદેહો : ઝેરી દવા ગટગટાવી હોવાનું તારણ : મૃતકોમાં પતિ, પત્ની અને સંતાનોનો સમાવેશ

ભાણવડ/જામનગર,  તા.10: ભાણવડના ધારાગઢ ગામ નજીક જામનગર રહેતા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાતના પગલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે પોલીસ ઘટના પાછળનું કારણ જાણવા તપાસ ચલાવી રહી છે.

નાના એવા ગામ ધારાગઢમાં એક સાથે એક જ પરિવારના ચાર સભ્યોના આપઘાતથી હાહાકાર મચ્યો હતો. આપઘાત કરનાર પરિવારમાં પતિ, પત્ની અને બે સંતાનોનો સમાવેશ થાય છે.

આપઘાત કરનાર પરિવાર જામનગરના માધવબાગ-1 માં રહેતો હતો. તેમના મૃતદેહ ધારાગઢ ગામે ફાટક પાસે આવેલી ખુલ્લી જગ્યાએથી મળી આવ્યા હતાં.

મૃતકોની ઓળખ અશોકભાઇ જેઠાભાઇ ધુંવા (ઉ.વ.42) તેમના પત્ની લીલુબેન અશોકભાઇ ધુંવા (ઉ.વ.42) તેમનો પુત્ર જીજ્ઞેશભાઇ અશોકભાઇ ધુંવા (ઉ.વ.20) અને તેમની પુત્રી કિંજલબેન અશોકભાઇ ધુંવા (ઉ.વ.18) તરીકે થઇ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ લાલપુરના મોડપર ગામનો હતો અને હાલ જામનગરના ગોકુલનગર તરફ આવેલા માધવબાગ-1 વિસ્તારમાં રહેતો હતો. મૃતદેહો ધારાગઢ ગામ નજીક રેલવે ફાટક પાસેથી મળી આવ્યા હતા. જેના પછી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતાં. હાલ પરિવારના પરિચીતોની પૂછપરછ કરી સામુહિક આપઘાતનું કારણ  જાણવા તપાસ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક