જૂનાગઢ, તા.30: જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલી સુભાષ યુનિવર્સિટી પાસે પાંચ શખસે અગાઉના મનદુ:ખમાં બે યુવાન પર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં મનપાના બાંધકામ સમિતિના ચેરમેનના પુત્રને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
આ અંગેની
વધુ વિગત પ્રમાણે ખામધ્રોળ રોડ પર આવેલ સુભાષ યુનિવર્સિટી નજીક જૂનાગઢ મનપાના બાંધકામ
સમિતિના ચેરમેન જયેશ બોઘરાના પુત્ર અભય બોઘરા અને તેના મામાનો દીકરો પ્રયાગરાજ પર અમન
સાંઘ, આફતાબ પરમાર, ભાવિક સોલંકી, સાગર બ્લોચ અને નવાજ શેખ નામના શખસો દ્વારા જીવલેણ
હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવના
કારણ અંગે પોલીસે જણાવ્યું હતું કે, પ્રયાગરાજને અમન સાંઘ નામના શખસ દ્વારા ફોન કરીને
સુભાષ યુનિવર્સિટી પાસે બોલાવવામાં આવેલો અને બાદમાં આ બંને યુવાનો ત્યાં જતા ત્યાં
હાજર પાંચેય શખસોએ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમાં આફતાબ પરમાર નામના શખસે પોતાની
પાસે રહેલી છરી વડે હુમલો કરી અભયને હાથમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને હાથમાં ટાંકા લેવાની ફરજ પડી હતી. આ મામલે અભયની ફરિયાદના
આધારે પોલીસે તમામ શખસોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.