• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

મેંદરડામાં જૂની અદાવતમાં કાર પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો

પાંચ ઘવાયા : એક ગંભીર

જૂનાગઢ, તા.30:  મેંદરડાના વડલી ચોકમાં ગત રાત્રે જૂની અદાવતનો ખાર રાખી ચાર શખસો દ્વારા જીવલેણ હુમલો કરાતા પાંચ લોકો ઘવાયા હતા. તેમાં એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ રહેતા ગોદડ બાબરિયા પોતાની મેંદરડાના નાની ખોડિયારમાં આવેલી વાડીએથી જીજે11સી1188 નંબરની સ્કોર્પિઓ કારમાં હાદિરક ખાચર, રાજન વેગડ અને શિવરાજ ગીડા અને જયદીપ ગળચર સાથે મેંદરડા ખાતે પહોંચ્યા હતા. ત્યાં વડલી ચોકમાન સ્કોર્પિઓ કાર પર દેસુર હુદડે તેમના સાથીઓ જબ્બર તગમડિયા, ધુધો તગમડિયા, રવિ તગમડિયા નામના શખસો સાથે મળીને પથ્થરમારો કર્યો હતો. પોતાના કૌટુંબિક ભત્રીજા ધીરૂ હુદડનું સાત વર્ષ પૂર્વે ખૂન થયાનો ખાર રાખી આ પથ્થરમારો કરવામાન આવેલો અને બાદમાં ગોદડ બાબરીયા અને તેમની સાથેના અન્ય ચાર વ્યક્તિઓ પર હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં જૂનાગઢના ગોદડ બાબરિયાના નામના યુવાનને છાતી અને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી, તેમજ સાથે આવેલાઓને નાની મોટી ઇજા પહોંચી હતી. ઘવાયેલાઓને સારવાર માટે પ્રથમ મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ બનાવની જાણ થતાં મેંદરડાના પી.આઇ. પી.સી. સરવૈયા તથા સ્ટાફ દોડી ગયો હતો અને જયદીપ ગૌચરની ફરિયાદના આધારે દેસુર હુદડ સહિત ચાર શખસો સામે ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક