• શનિવાર, 13 જુલાઈ, 2024

ગુજરાતમાં ફરી વરસાદના શ્રીગણેશ: 173 તાલુકા ભીંજાયા

ગોધરા 9, શહેરા 8.8, મહીસાગરના વિરપુરમાં 8.5, તલોદમાં 7.5 ઇંચ: સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે ઝાપટા વરસ્યા

 

વડોદરા-રાજપીપળાને જોડતો રંગ અવધૂત બ્રિજ બંધ કરાયો

આબુરોડ પાસેના શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિકો ફસાતા રેસ્ક્યૂ

ખારી નદીમાં કાર સાથે 5 લોકો તણાયા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.17 : લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે અને વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં વરસાદી માહોલ સર્જાતા ભાદરવો ભરપૂર જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. જેના પગલે અંબાજીથી લઈ ઉમરગામ સુધી અને કચ્છથી લઈ દાહોદ સુધી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, નર્મદા, સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ અને અમુક વિસ્તારમાં બારે ઝાપટા વરસ્યા હતા. જો કે હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી ત્યારે આજે રાજયના 173 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે પરંતુ રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદી વાતાવણ વચ્ચે ઝાપટા વરસ્યા હતો. તો અમુક વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હોવાનું જાણવા ંમળી રહ્યું છે. કાલાવડ તાલુકાના વજીર ખાખરિયા પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા મોલાતને જીવનદાન મળ્યું છે. ગામના અગ્રણી  ભવાનભાઇ મેંદપરાએ કહ્યું કે મેઘાડંબર વચ્ચે વરસાદ શરૂ થયો હતો અને સારા વરસાદ વરસતા ખેતે ફાયદાકારક છે. સોરઠ વિસ્તારમાં પણ વરસાદી માહોલ વચ્ચે ઝાપટા વરસ્યા હતા.

આજે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરા 8.8 ઇંચ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના વિરપુરમાં  8.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાબરકાંઠાના તલોદમાં 7.5 ઇંચ, પંચમહાલના મોરવાહડફ અને અરવલ્લીના ધનસુરામાં 6.8 ઇંચ, મહીસાગરના લુણાવાડામાં 6.6 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.2 ઇચ, અરવલ્લીના બાયડમાં 6.1 ઇંચ, ખેડાના કપડવંજમાં 5.8, દાહોદના લીમખેડામાં 5.7 ઇંચ, ખેડાના મહુધામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.  

વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરાના રંગ અવધૂત બ્રિજ નીચે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા-રાજપીપળાને જોડતો રંગ અવધૂત બ્રિજ બંધ કરાયો છે. મહીસાગર નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડા-વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યાં છે. ગળતેશ્વર બ્રિજ ઉપર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી-ગળતેશ્વરને જોડતા બ્રિજને બંધ કરાયો છે. ગળતેશ્વર મામલતદાર પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ છે. 

ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસકાંઠાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આબુરોડ પાસેના શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિકો ફસાયા હતા. ખેતરમાં કામ કરતી વખતે નદીનો પ્રવાહ વધતા શ્રમિકો ફસાયા હતા. આ અંગેની જાણકારી મળતા જ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. કલાકોની મહેનત બાદ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે. ગુલબાની નગરમાં ભારે વરસાદથી દુકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. 

દાહોદના સુખસરની ખારી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 5 લોકો સાથે કાર તણાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોની મદદથી કારમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં હતા. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇ-વે 8 પર પાણી ભારયા હતા. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા.  મોરવાહડફમાં અતિ ભારે વરસાદ પડતા મોરવાહડફ અને સંતરોડને જોડતા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. વૃક્ષો ધરાશાયી થતાં 1 કિમી જેટલી વાહનોની લાઇન લાગી હતી. ડાંગરિયા પાસે ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં વીજકડાકા સાથે વરસાદ થયો હતો. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ થયો હતો. શહેરના સેટેલાઈટ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ, પાલડી, મેમનગર, શ્યામલ, જીવરાજ પાર્ક, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર, નરોડા, નારોલ, નિકોલ, શાહીબાગ, એસ.પી રિંગરોડ, એસ.જી હાઈવે, ચાંદખેડા, એરપોર્ટ, ખોખરા, હાટકેશ્વર, ઇસનપુરમાં પણ વરસાદ વરસતા પાણી ભરાયા હતા.

મોડાસા: જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લાના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે. નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતરમાં ઉભા ખરીફ પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. મોડાસા શહેરમાં રવિવારે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા નીચાણવાળા રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો તોબા પોકારી ઉઠયા છે.

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બંધાયો છે. આજે રવિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.  આજે રવિવારે સાંજના 6 વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના ઘોઘામાં 12મી.મી., પાલિતાણામાં 1 મી.મી., ભાવનગર શહેરમાં બ2 મી.મી. અને શિહોર માં 9 મી.મી. વરસાદ નોંધાયો છે.

કડાણા જળાશયમાંથી મહી નદીમાં પાણી છોડતા 45 ગામ એલર્ટ કરાયા

ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી કડાણા જળાશયમાં પાણીની આવક થઇ રહી છે. તેમજ મહી બજાજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. કડાણાબંધની સુરક્ષા તથા ઉપરવાસમાં મહીબજાજ ડેમમાથી હાલમાં 4,43,910 ક્યુસેક તથા અનાસમાંથી 4,37,023 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને ધ્યાને લેતા કુલ 8,80,933 કયુસેક પાણી ઉપરવાસમાંથી આવતા કડાણા ડેમમાંથી 7,50,000 કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને તેમાં વધારો થવાનો હોવાનું ધ્યાને લઇને વડોદરા જિલ્લાના મહીકાંઠાના ડેસર તાલુકાના 12, સાવલીના 14,વડોદરા ગ્રામ્યના 09 અને પાદરા તાલુકાના 10 સહિત 45 ગામોને સાબદા કરાયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક