• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

નીટ પેપર લીક: CBI એક્શનમાં, FIR દાખલ

ગુજરાતથી બિહાર સુધી તપાસ: તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરાશે

નવી દિલ્હી, તા. 23 : શિક્ષા મંત્રાલય દ્વારા નીટ યુજી પરીક્ષામાં કથિત ગડબડની વ્યાપક તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ એજન્સીએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયની ફરીયાદને નોંધીને સીબીઆઈએ નવો કેસ દાખલ કર્યો છે. વ્યાપક તપાસ માટે સીબીઆઈ રાજ્યોમાં દાખલ એફઆઈઆરને પોતાના હાથમાં લેશે. રાજ્યોએ જે આરોપીની ધરપકડ કરી છે તેને પણ કસ્ટડીમાં લેવામાં આવશે. પરીક્ષામાં પારદર્શિતા માટે શિક્ષા મંત્રાલયે એક સમીક્ષા કરી છે. બાદમાં આ મામલાને વ્યાપક તપાસ માટે સીબીઆઈને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ રવિવારે નીટ યુજી 2024 પરીક્ષામાં મોટી સાજિશની તપાસ માટે બિહાર અને ગુજરાતમાં ટીમ મોકલવાની તૈયારી કરી છે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે માન્યું છે કે પાંચમી મેની પરીક્ષામાં અનિયમિતતા, છેતરપિંડી અને અન્ય કામો થયા છે. અત્યારસુધીમાં બિહાર પોલીસના આર્થિક અપરાધ એકમે તપાસ કરતા અલગ અલગ સ્થળોથી 13 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસે ગોધરામાં નીટ યુજીના એક પરીક્ષા કેન્દ્રમાં કથિત ગેરરિતી મામલે કોચિંગ સેન્ટર પ્રમુખ સહિત છ ડઝન લોકોની ધરપકડ કરી છે. શનિવારે નીટ કેસમાં ઝારખંડ પોલીસે દેવધરથી પાંચ અને રાંચીથી બે લોકોની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રના નાંદેડમાં એટીએસએ બે શિક્ષકોને હિરાસતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

નીટ સંબંધિત અનિયમિતતા મામલે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા તમામ અટકાયતો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડયે સીબીઆઈ મહારાષ્ટ્રમાં પણ પોતાની ટીમ મોકલી શકે છે. એજન્સી પહેલાથી જ યુજીસી નેટ-2024ના પ્રશ્નપત્ર લીક થવા મામલે તપાસ કરી રહી છે. જેને ગુરૂવારે ડાર્કનેટ અને મેસેજિંગ એપ ટેલીગ્રામ ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા. શનિવારે સીબીઆઈએ યુપીથી નિખિલ નામના એક શખસને પકડયો હતો.

----------------

NEET UG પરીક્ષામાં ગેરરીતિની CBI તપાસ માટે  રાજ્ય સરકારનું નોટિફિકેશન

અમદાવાદ, તા.23 : રાજ્યમાં 5 મે 2024ના રોજ NEET UG-2024ની લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.  આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તા.8 મે ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તે માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ,1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે.

---------------

તપાસ કરવા પહોંચેલી CBI ટીમ ઉપર બિહારમાં હુમલો

નવી દિલ્હી, તા. 23 : બિહારમા યુજીસી નેટની પેપર લીકની તપાસ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમ ઉપર હુમલો થયો છે. જાણકારી અનુસાર શનિવારે સાંજે સીબીઆઈની ટીમ બિહારના નવાદા જીલ્લાના કસિયાડીહ ગામે પહોંચી હતી. જયાં ગ્રામીણો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હકીકતમાં ટીમે કાર્યવાહી હેઠળ પેપર લીકમાં ઉપયોગમાં લેવામાં આવેલા ફોનને જપ્ત કરતા જ આરોપીના પરિવાર અને ગ્રામીણો દ્વારા સીબીઆઈની ટીમને નિશાન બનાવવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સીબીઆઈના ચાર અધિકારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવમાં ચાર લોકોની ધરપકડ થઈ છે અને 200 અજ્ઞાત લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

રજૌલી એસડીપીઓના કહેવા પ્રમાણે ગ્રામીણો દ્વારા સીબીઆઈની ટીમ ઉપર હુમલાની ઘટના શનિવારે સાંજે બની હતી. સીબીઆઈની ટીમ એક ઘરે દરોડો પાડવા પહોંચી હતી અને ત્યાંથી ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ યુજીસી જેટ પેપર લીકમાં કરવામાં આવ્યો હતો. સીબીઆઈની ટીમે જેવો ફોન જપ્ત કર્યો  ઘરના લોકોએ ટીમ ઉપર લાકડીથી હુમલો કરી દીધો હતો અને બાદમાં સ્થળ ઉપર રહેલા ગ્રામીણો પણ ઉગ્ર થયા હતા અને સીબીઆઈની ટીમ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો. બનાવમાં પોલીસે એક મહિલા સહિત ચારની ધરપકડ કરી લીધી છે. જેમાં કસિયાડીહ ગામના પ્રિન્સ કુમાર, એક મહિલા અને બે અન્ય લોકો સામેલ છે. વધુમાં રજૌલી પોલીસ સ્ટેશને આઠ લોકો ઉપર નામજોગ અને 200 અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મહિલા સહિત ચાર લોકોને જેલ મોકલી દેવામાં આવ્યા છે તેમજ મારપીટની ઘટનાની વિડિયોગ્રાફી કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક