• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

આજથી 18મી લોકસભાનું પહેલું સંસદ સત્ર

વડાપ્રધાન મોદી સહિતના ચૂંટાયેલા સભ્યો શપથ લેશે : પ્રોટેમ સ્પીકર, નીટની ગરબડ-ગેરરીતિઓ સહિતના મુદ્દે વિપક્ષો સરકારને ઘેરશે

નવી દિલ્હી, તા. 23 : 18મી લોકસભાનું પહેલું સત્ર સોમવારથી શરૂ થવાનું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ નવા ચૂંટાયેલા સાંસદ શપથ લેશે. બીજી તરફ લોકસભા સ્પીકર પદ માટે પણ ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એપ્રિલ-જુનમાં થયેલી લોકસભા ચૂંટણી બાદ પહેલું લોકસભા સત્ર બનશે. 18મી લોકસભામાં એનડીએ પાસે 293 બેઠક સાથે બહુમત છે. જ્યારે ભાજપ પાસે 240 બેઠક છે. વિપક્ષી બ્લોક ઈન્ડિયા પાસે 234 બેઠક છે. જેમાં કોંગ્રેસની 99 બેઠક સામેલ છે.  ત્યારે પ્રોટેમ સ્પીકરપદે ભર્તૃહરિ મેહતાબની નિયુક્તિ, નીટ પરીક્ષાઓની ગરબડો અને ગેરરીતિઓ સહિતના મુદ્દે વિરોધ પક્ષો સરકારને ઘેરવા માટે તૈયાર છે. જો કે, સંસદમાં વિપક્ષી એકતાની પણ કસોટી થશે. તૃણમૂલ કોંગ્રેસ અને આપ જેવા પક્ષો અનેકવાર કોંગ્રેસથી વિપરિત સૂર વ્યક્ત કરી ચૂક્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે, તેઓ નીટ પરીક્ષામાં કૌભાંડનો મુદ્દો વ્યક્તિગત રીતે ઊઠાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીપરિષદના સભ્યો સવારે 11 વાગ્યે શપથ લેશે. પીએમ મોદીના શપથ લીધા બાદ મંત્રી પરિષદના અન્ય સભ્યો શપથ ગ્રહણ કરશે. ત્યારબાદ અલગ અલગ રાજ્યોના સાંસદ અલ્ફાબેટિકલ ઓર્ડરમાં શપથ ગ્રહણ કરશે. એટલે કે આસામના સાંસદોનો ક્રમ સૌથી પહેલા આવશે. જ્યારે પશ્ચિમ બંગાળના સાંસદ સૌથી છેલ્લે શપથ લેશે. સોમવારે મંત્રીપરિષદ સહિત 280 નવા ચૂંટાયેલા સાંસદો જ શપથ લેશે. જ્યારે આગામી દિવસે એટલે કે 25 જુને 264 સાંસદ શપથ લેવાના છે.

સત્રના પહેલા જ દિવસે ભાજપ નેતા અને સાત વખતના સાંસદ ભર્તુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવા મામલે વિવાદ થઈ શકે છે. વિપક્ષનો આરોપ છે કે સરકારે આ પદ માટે કોંગ્રેસ સભ્ય કોડિકુન્નિલ સુરેશના દાવાને નજરઅંદાજ કર્યો છે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનમાં મહતાબને પ્રોટેમ સ્પીકર પદના શપથ અપાવશે. બાદમાં લોકસભા મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ લોકસભા માટે ચૂંટાયેલા સભ્યોની યાદી સદનના પટલ ઉપર રાખશે. રાષ્ટ્રપતિએ લોકસભા સભ્યોને શપથ અપાવવા માટે મહતાબની સહાય કરવા કોડિકુન્નિલ સુરેશ (કોંગ્રેસ), ટીઆર બાલુ (ડીએમકે), રાધા મોહન સિંહ અને ફગ્ગનસિંહ કુલસ્તે (ભાજપ) અને સુદીપ બંદોપાધ્યાય(ટીએમસી)ને નિયુક્ત કર્યા છે.

લોસકભા સ્પીકર પદ માટે ચુંટણી 26 જુનના થવાની છે અને બાદમાં વડાપ્રધાન પોતાના મંત્રીપરિષદનો સદનમાં પરિચય કરાવશે. રાષ્ટ્રપતિ 27મી જુને સંસદના બન્ને સદનની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. 28 જુને રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા થશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે અથવા ત્રીજી જુલાઈના રોજ તેનો જવાબ આપશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક