• શનિવાર, 13 જુલાઈ, 2024

સૌરાષ્ટ્રમાં મેઘ પધરામણી : ધોધમાર ચાર ઈંચ સુધી વરસાદ

રવિવારની રજામાં જૂનાગઢમાં ત્રણ ઈંચ, જામનગરમાં બે, રાજકોટમાં એક ઈંચ વરસાદ પડતા શહેરીજનોએ નાહવાનો આનંદ માણ્યો

રાજકોટ, તા.23 : (ફૂલછાબ ન્યૂઝ)

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ઉનાળા બાદ ચોમાસાની ચાતક નયને રાહ જોવાઈ રહી છે ત્યારે આજે બપોરથી મેઘ પધરામણી થઈ હતી. જેમાં ક્યાંક ઝરમર ઝાપટાં તો ક્યાકં ધોધમાર ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે રવિવારની રજામાં લોકોએ મન ભરીને પ્રથમ વરસાદમાં ન્હાવાનો લ્હાવો માણ્યો હતો. સૌથી વધુ મેંદરડામાં મુશળધાર ચાર ઈંચ અને વિસાવદર અને જૂનાગઢમાં ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોંડલ-રાજકોટ હાઇવે પર સાંજે તોફાની વરસાદથી વાહનો થંભાવી દેવા ફરજ પડી હતી !

* રાજકોટ : આજે ઘણા દિવસોનાં આકરાં તાપ અને અસહ્ય ઉકળાટમાંથી રાજકોટવાસીઓને ચાલુ ચોમાસાનાં પ્રથમ ધોધમાર વરસાદે આહ્લાદક ઠંડકનો આનંદદાયક અહેસાસ કરાવ્યો હતો. બપોરે 4 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને સાંજે 8 વાગ્યા સુધીમાં એક ઈંચ વરસી ગયો હતો. આજે રવિવારની રજાનાં દિવસે પ્રથમ વરસાદમાં ન્હાવાની આબાલવૃધ્ધ સૌકોઈ લોકોએ મજા માણી હતી.

* જૂનાગઢ : અંતે આજે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી અસહ્ય ઉકળાટ બાદ બપોરે ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી પડતા ઠંડક પ્રસરી હતી. મોટાભાગનાં માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી પણ ભરાયા હતા. આજે મોતીબાગ, જોષીપરા, મધુરમ સહિત છ વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદ થઈ હતી. એ જ રીતે આજે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન બે કલાકમાં વિસાવદરમાં ત્રણ ઈંચ અને મેંદરડામાં ચાર કલાકમાં ધોધમાર ચાર ઈંચ તો વંથલીમાં બે ઈંચ અને કેશોદમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

* જામનગર : આજે જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ પાણી પડી જતાં નદી, નાળા, વોકળામાં પાણી વહેતા થયા હતા. કાલાવડના ગ્રામ્ય  પંથકમાં પણ ધોધમાર દોઢ થી બે ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. જોડીયા અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

* મોરબી : આજે સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મોરબીમાં અડધા કલાકમાં અડધો ઈંચ વરસાદ પડતા શનાળા રોડ, સ્ટેશન રોડ સહિતનાં જાહેર માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા. આજે વાંકાનેરમાં પણ દોઢ ઈંચ, હળવદમાં એક ઈંચ અને ટંકારામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માળીયા મિંયાણામાં ઝાપટાં પડયા હતા.

* પોરબંદર : બરડા પંથકના ગામડાઓમાં રવિવારે બપોર પછી વરસાદનો પ્રારંભ થયો હતો. જેમાં અડવાણા, સોઢાણા, ફટાણા, સિસલી, ભારવાડા, મજીવાણા, કુણવદર, બગવદર, પાલખડા, સહિતના  ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો અને કાળુ ડિબાંગ આકાશ ગોરંભાયેલું નજરે ચડ્યું હતું. 

* બોટાદ : આજે આખો દિવસ ઉકળાટ વચ્ચે બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવતા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. બોટાદ શહેરમાં બે ઈંચ વરસાદ વરસી પડતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ શહેરની મધ્યમાંથી વહેતી ઉતાવળી અને મધુ નદીમાં નવા નીર આવ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

* વિસાવદરમાં ભારે ગરમી બાદ આજે મેઘરાજાનું જોરદાર આગમન થયું હતું. બપોરે બે વાગ્યાથી ચાલુ થયેલો વરસાદ સાંજ સુધીમાં ત્રણ ઈંચ વરસી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢ રોડ પર બસ સ્ટેન્ડ પાસે એક વૃક્ષ ધરાશાયી થઈને બાઇકચાલક ઉપર પડતા સામાન્ય ઇજા પહોંચી હતી. આજે ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાથી પોપટડી નદીમાં પૂર આવ્યું હતું.

* કેશોદ: શહેર-તાલુકામાં આજે ભારે પવન ફૂંકાવાની સાથે અચાનક હવામાનમાં પલટો આવી જતાં વરસાદ શરૂ થયો હતો. રવિવારની રજાના દિવસે અડધા કલાકમાં એક ઈચ જેટલો પ્રથમ વરસાદ પડતાં બાળકો અને યુવાનોએ નાહવાનો આનંદ લીધો હતો.

* સાવરકુંડલા : આજે બપોરે 3:45 કલાકે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેથી ગરમી અને ભારે બફારાથી ત્રાસી રહેલા લોકોને થોડી રાહત થઈ હતી. આ દરમિયાન ઈન્દિરા વસાહત પાસે વરસાદનાં કારણે એક મકાનની પારાપેટ પડવાથી વીજવાયર તૂટીને નીચે પડતા બે બકરાંનાં મોત થયા હતા.

* ગોંડલ : આજે બપોર બાદ વાતાવરણ બદલાવા સાથે મેઘાડંબર સર્જાયું હતું. જો કે, અનરાધાર મેઘવર્ષાને બદલે ગોંડલ, વાંસાવડ, સુલતાનપુર, રાણસીકી, પાંચીયાવદર, સેમળા, બીલીયાળા, નાગડકા સહિત હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરુડી ટોલનાકા, રીબડા, સડક પીપળીયા, પારડી સહિત ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાંજે સાત કલાકે રીબડા હાઇવે પર ભારે વરસાદને કારણે વાહનો થંભાવી દેવા ફરજ પડી હતી. બીજી તરફ વેજાગામની સીમમાં નદી પાસે આવેલા વૃક્ષ પર કડાકા સાથે વિજળી પડતા તે બળી ગયું હતું.

* માળીયા હાટીના : આજે સખત બફરા બાદ વરસાદની એન્ટ્રી થઈ હતી. આજે પાંચ વાગ્યા પછી વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. આસપાસનાં ગડોદર અને અમરાપુર ગીર  સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળે છે.

* પાલિતાણા : આજે સવારથી અસહ્ય બફારા અને ઉકળાટ પછી બપોરે ગાજવીજ અને તેજ પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. અંદાજે દોઢ ઇંચ જેટલા વરસાદથી શહેરના નવાગઢ વિસ્તાર, પોપડા વિસ્તાર, તકીયા પાસે તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

* કોટડાપીઠા : બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આજે વાવણીલાયક મેઘ પધરામણી થતાં ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. આજે બપોરે 1 થી 2 વાગ્યા વચ્ચે ગાજવીજ અને તોફાની પવન સાથે ધોધમાર બે ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આ સાથે જ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો અને મોડી સાંજ સુધી પૂર્વવત થયો નહોતો.

* તાલાલા : આજે બપોરે અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજા મનમુકીને વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. આજે બપોર બાદ શરૂ થયેલો વરસાદ એક થી દોઢ ઈંચ જેટલો પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બોરવાવ ગીર, આંકોલવાડી ગીર, આંબળાશ, માધુપુર ગીર સહિતના મોટાભાગના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

* પ્રાચી : સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે  પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અડધી કલાકમાં રસ્તાઓ પર પાણી દોડતા થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

* ધ્રાંગધ્રા : આજે બપોરે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ તથા તોફાની પવન સાથે વરસાદ વરસી પડતા વાતાવરણ ઠંડક થવાથી ગરમીમાં લોકોને રાહત મળી હતી. ચોમાસુ પાકમાં આગોતરા વાવેતર કપાસ, મગફળી,  જુવારના પાકને ફાયદો થયો છે. આજનાં વરસાદથી બજારમાં અને યાર્ડમાં પડેલો માલ પલળી ગયો હતો.

* કોડિનાર શહેરમાં બપોરે બે વાગ્યા પછી વાદળછાંયા વાતાવરણ સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરનાં માર્ગો પરથી પાણી વહેતા થયા હતા અને લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.

* ડોળાસા : આજે બપોરના દોઢ વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પ્રથમ ધીમે બાદ મેઘરાજાએ ગતિ વધારતા થોડી જ વારમાં રસ્તાઓ ઉપર પાણી દોડવા લાગ્યા હતા. બાળકોએ નહાવાની મોજ માણી હતી. આજે 24 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે, ખેડૂતો હજુ વાવણીલાયક વરસાદની રાહ જૂએ છે.

* ધોરાજી : ભારે બફારા બાદ આજે સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને લોકોએ નાહવાનો આનંદ માણ્યો હતો. વાડોદર ગામે પાણીમાં તણાઈ જતાં ખેતમજૂર યુવાનનું મોત થયું હતું.

* ટંકારા : આજે સાંજે પાંચ વાગ્યા પછી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને દોઢેક કલાકમાં અડધો ઈંચ વરસતા લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. 

* ધારી : આજે બપોર બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. દલખાણીયા, ચાચઈ   પાણીયા, ડાંગાવદરમાં ભારે વરસાદ પડતા શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. 

કોટડા સાંગાણી તાલુકામાં ઝંઝાવાતી

વરસાદ : છાપરું ઉડતા મહિલા ઘાયલ

 

કોટડા સાંગાણી, તા.23 : કોટડા સાંગાણી તાલુકામાં ગઇકાલે સાંજે તોફાની પવન સાથેનાં ઝંઝાવાતી વરસાદમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. રાજપરા ગામે વાડી વિસ્તારમાં 7 વીજપોલ ધરાશાયી થયા હતા. નવાગામ રોડ પર વાડીએ રહેતા ઓઘળભાઈ મેરામભાઈનાં મકાનનું છાપરૂં ઉડીને શાંતાબેન નામનાં વૃધ્ધ મહિલા પર પડતા માથામાં ઈજા થવાથી સારવાર માટે તાત્કાલિક કોટડા સાંગાણી બાદ ગોંડલ અને ત્યાંથી રાજકોટની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને માથામાં 7 ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત ભાડવાની સીમમાં મનુભાઇ ગજેરાની વાડીએ છાપરાં ઉડી ગયા હતા. રાજપરા ગામમાં આંગણવાડી પાસે આવેલો લીમડો ભારે પવનનાં કારણે ધરાશાયી થઈ ગયો હતો. નવાગામ ગામમાં લોઠેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે, વધુ કોઈ જાનહાનીનાં સમાચાર પ્રાપ્ત થયા નથી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક