• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

રાજકોટ ગેમ ઝોન અંગ્નિકાંડમાં પકડાયેલા બન્ને ફાયર અધિકારી બે દિવસના રિમાન્ડ પર

ફેબ્રીકેશનનો સુપરવાઈઝર જેલ હવાલે : બન્ને અધિકારીઓએ રિમાન્ડ સામે સ્ટે માગતા કોર્ટે રદ કર્યો

રાજકોટ, તા.ર3 : ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્રાઈમ બાંચે ગેમ ઝોન-મનપાના અધિકારીઓ સહિત 1પ શખસની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં ક્રાઈમ બાંચે મનપાના બે અધિકારીઓ અને ફેબ્રીકેશનનું સુપરવાઈઝર તરીકે કામ કરનાર શખસ સહિત ત્રણની ધરપકડ કરી હતી અને મનપાના બન્ને અધિકારીને તા.રપ/6 સુધી રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે વેલ્ડીગ કામ કરનાર વૃધ્ધને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગતા.રપ/પ/ર0ર4 ના અગ્નિકાંડ સર્જાતા ર8 વ્યકિતઓના મૃત્યુ નિપજયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે ગેમ ઝોનના ભાગીદારો યુવરાજસિંહ સોલંકી,ધવલ ભરત ઠકકર, નીતીન જૈન, અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર પ્રકાશહીરન, રાહુલ રાઠોડ, જમીન માલીકો કિરીટસિહ જાડેજા અને અશોકસિહ જાડેજા સહિતના વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા કરી રિમાન્ડ પર લેવામાં આવતા અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. દરમિયાન આ બનાવમાં ક્રાઈમ બ્રાંચે મનપાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠીયા, એટીપીઓ  ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર અધિકારી રોહીત વીગોરાની ધરપકડ કરવામાં આવી હતી અને ચારેય અધિકારીઓના વિરોધાભાષી  નિવેદનોમાં અનેક વિગતો સામે આવી હતી અને બોગસ મીનીટસ બૂક બનાવવામા આવી હોવાનું અને ગેમ ઝોનનું અસલી રજીસ્ટર સળગાવી નાખી નકલી બનાવ્યાનું ખુલ્યું હતું. જે મામલે ક્રાઈમ બ્રાંચે સસ્પેન્ડ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે અલગથી ગુનો નોંધી ધરપકડ કરી હતી અને તા.ર4મી સુધી રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને ટીપીઓ મનસુખ સાગઠીયા સામે રૂ.10.પપ કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાવવામાં આવ્યો હોઇ ક્રાઈમ બ્રાંચના રિમાન્ડ પૂર્ણ થયા બાદ એસીબી દ્વારા કબજો સભાળી ધરપકડ કરવામાં આવશે તેમજ ફાયર અધિકારી ભીખા ઠેબા વિરુધ્ધ પણ એસીબીએ રૂ.79 લાખની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો હતો.

દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગેમ ઝોન અગ્નિકાંડમાં ફાયર અધિકારી ભીખાભાઈ જીવાભાઈ  ઠેબા અને ઈલેશકુમાર વાલાભાઈ ખેર અને ફેબ્રીકેશન સુપરવાઈઝર મહેશ અમૃતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.ક્રાઈમ બ્રાંચે ત્રણેયને કોર્ટમાં રજુ કરતા ભીખા ઠેબા અને ઈલેશકુમાર ખેર દ્વારા રિમાન્ડ નામંજૂર કરવા માટેથી સ્ટેની માગણી કરવામાં આવતા સ્પે.પી.પી. તુષાર ગોકાણી, ફરિયાદ પક્ષના વકીલ સુરેશભાઈ ફળદુ, અજયસિહ ચૌહાણ તેમજ ક્રાઈમ બ્રાંચના એસીપી બી.બી.બસીયા દ્વારા સોગદનામું રજૂ કરવામાં આવ્યું હતું અને કોર્ટે બંનેની અરજી રદ કરી હતી અને બન્ને અધિકારીઓને બે દિવસના રિમાન્ડ પર લેવાના રિમાન્ડ મંજુર (તા.રપ/6 સુધી) કરવામાં આવ્યા હતા અને ફેબ્રીકેશન સુપરવાઈઝર મહેશ અમૃતભાઈ રાઠોડને જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

આ બનાવમાં રિમાન્ડ માટેથી ક્રાઈમ બ્રાંચ અને સ્પે.પી.પી.તુષાર ગોકાણી અને ફરિયાદ પક્ષના વકીલ સુરેશભાઈ ફળદુ દ્વારા કોર્ટમાં એવી રજૂઆતો કરવામાં આવી હતી કે ફાયર અધિકારીઓ ભીખા ઠેબા અને ઈલેશ ખેર દ્વારા  તપાસમાં પુરતો સહકાર આપતા ન હોય અને બન્ને વિરુધ્ધ વધુ પુરાવા મેળવવાના હોય તેમજ બન્ને અધિકારીઓ દ્વારા કોના દબાણથી અને કોની પાસેથી આર્થિક લાભ લઈ ગેમ ઝોનમાં ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે કેમ તે બાબતે તપાસ કરેલ નથી તેમજ બન્ને વિરુધ્ધ અન્ય સાહેદોના નિવેદનો લીધેલ છે તેમજ ગેમ ઝોનના સંચાલકો ભાગીદારી સહિતના સાથે સંપર્કમાં હતા કે કેમ તેમજ આ બાબતે સંતોષકારક માહિતી આપતા નથી અને બંને અધિકારીઓએ શહેરમાં કઈ કઈ જગ્યાએ ફાયર એનઓસી માટે જાતે જઈ તપાસ કરી છે અને આ ગેમ ઝોન સિવાય અન્ય સ્થળે પણ તપાસ કરવી જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક