- આજે અમિત શાહ કરશે પોર્ટલ લોન્ચ : ભાગેડુ અપરાધીઓ ઉપર સકંજો કસાશે
નવી
દિલ્હી, તા. 6 : દેશમાં અપરાધ ઉપર લગામ કસવા માટે પોલીસ અલગ અલગ પ્રયોગ કરતી રહે છે.
પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવાથી લઈને ટેકનોલોજીની મદદથી ક્રાઇમ કંટ્રોલનો પ્રયાસ
થતો રહે છે. સાથે જ સીબીઆઇ જેવી કેન્દ્રીય એજન્સી પણ રાષ્ટ્રીય સુરક્ષા અને મોટા અપરાધોમાં
કાર્યવાહી કરે છે. જો કે દેશમાં અપરાધ કરીને વિદેશ ભાગી છૂટનારા અપરાધીઓને પરત લાવીને
સજા અપાવવા આજે પણ સુરક્ષા એજન્સીઓ માટે પડકારજનક છે. આ માટે ભારતીય એજન્સીઓ ઇન્ટરપોલ
સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લેતી હોય છે. જો કે હવે ઇન્ટરપોલની જેમ જ દેશમાં
‘ભારતપોલ’ની શરૂઆત થવા જઈ રહી છે.
દેશમાંથી
ફરાર અપરાધી અને ભાગેડુઓની વાપસી માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટું પગલું ભરવા કમર કસી
લેવાઈ છે. ગૃહ મંત્રાલય ઇન્ટરપોલની જેમ દેશમાં ભારતપોલની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
આ પોર્ટલ સીબીઆઇ હેઠળ કામ કરશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પોર્ટલનાં માધ્યમથી રાજ્યોની
પોલીસ કોઈપણ વોન્ટેડ અપરાધી કે ભાગેડુની જાણકારી માટે ઇન્ટરપોલની સહાય લઈ શકશે. સાઇબર
અપરાધ, આર્થિક અપરાધ, સંગઠિત અપરાધ, માનવ તસ્કરી જેવા આંતરરાષ્ટ્રીય ક્રાઈમના કેસમાં
પોર્ટલ મારફતે તપાસમાં તેજી આવશે અને ઝડપથી જાણકારી એકત્રિત કરવામાં પણ મદદ મળી રહેશે.
સામાન્ય
રીતે દેશમાં અપરાધ કરીને વિદેશ નાસી છૂટનારા અપરાધી સામે નોટિસ જારી કરવામાં સમય લાગે
છે. જો કે હવે સીબીઆઇએ ભારતપોલનાં નામથી એક હાઇટેક પોર્ટલ બનાવ્યું છે. જેમાં એનઆઇએ,
ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓની સાથે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસ એક સાથે
મંચ શેર કરશે. પોર્ટલની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહ મંગળવારથી કરવા જઈ રહ્યા છે. જેનું
સફળ ટ્રાયલ પહેલાં જ થઈ ચૂક્યું છે.