• બુધવાર, 08 જાન્યુઆરી, 2025

ભારતીય મહિલા ટીમનું સુકાન સ્મૃતિ સંભાળશે નિયમિત કપ્તાન હરમનપ્રિત અને રેણુકા સિંહને વિશ્રામ

રાજકોટ, તા.6 : અહીંના નિરંજન શાહ સ્ટેડિયમ પર તા. 10 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી આયરલેન્ડ વિરુદ્ધની ત્રણ વન ડે શ્રેણીની ભારતીય મહિલા ટીમ આજે બીસીસીઆઇએ જાહેર કરી છે. જેનું સુકાન સ્ટાર બેટર સ્મૃતિ મંધાના સંભાળશે. નિયમિત કપ્તાન હરમનપ્રિત કૌર અને ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુરને રેસ્ટ અપાયો છે. શ્રેણીના ત્રણેય મેચ રાજકોટમાં જ રમાશે. બીજો મેચ 12મીએ અને ત્રીજો મેચ 1પ જાન્યુઆરીએ રમાશે. આ તમામ મેચ સવારે 11-00 વાગ્યાથી શરૂ થશે. ગયા મહિને વડોદરા ખાતે રમાયેલ વન ડે સિરીઝમાં ભારતીય મહિલા ટીમે વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી સફાયો કર્યો હતો.

ભારતીય મહિલા વન ડે ટીમમાં શેફાલી વર્મા, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી આ વખતે પણ પસંદ થઈ નથી. સયાલી સતધરે અને રાઘવી બિષ્ટની વાપસી થઈ છે. આયરલેન્ડ મહિલા ટીમે ભારત સામેના અત્યાર સુધીના તમામ 12 મેચમાં હાર સહન કરી છે.

ભારતીય મહિલા ટીમ : સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી, ઋચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનિસ, રાઘવી બિષ્ટ, મિન્નૂ માની, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાઇમા ઠાકુર અને સયાલી સતધરે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક