દિલ્હી
વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવનારા મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી દીધી
છે. ભાજપે ચૂંટણી પ્રચારની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાથી કરી છે. મોદીએ
અત્યાર સુધી અનેક સભાઓ કરી છે અને સભામાં તેઓ ‘આપ’ના ભ્રષ્ટાચાર
પર આકરા પ્રહાર કરી રહ્યા હોવાથી ચૂંટણીનો મુખ્ય મુદ્દો કેજરીવાલનો ભ્રષ્ટાચાર જ રહેવાની
શક્યતા છે. મોદી ‘આપ’ સરકાર પર આકરા પ્રહાર કરી ભાજપ કાર્યકર્તામાં
જોશ સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં
એકમાત્ર ભ્રષ્ટાચારના મુદ્દે ‘આપ’ને ઘેરવાની કોઈ તક ભાજપ નહીં
છોડે.
લોકસભાની
ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ ભ્રષ્ટાચારના મુદ્દાને ખૂબ ઉઠાવ્યો
હતો અને તેનો લાભ પણ થયો હતો. મોદીએ તેમના એક ભાષણમાં શરાબ કૌભાંડ, સ્કૂલ નિર્માણ કૌભાંડ,
સ્વાસ્થ્ય ઉપચારમાં કૌભાંડ, પ્રદૂષણથી લડવાના નામે કૌભાંડ, નોકરીમાં ભરતી કૌભાંડનો
ઉલ્લેખ કરતાં ‘આપ’ની સરકારને ‘આપદા’ એટલે
દિલ્હી ઉપર સંકટ ગણાવી છે અને દિલ્હીવાસીઓને આપદાથી મુક્ત કરવાનું આહ્વાન કર્યું છે.
મોદીએ
ભાષણમાં ઉલ્લેખ પણ કર્યો છે કે દિલ્હી સરકારના અખત્યારમાં નહીં આવતી કેન્દ્ર સરકારની
એજન્સીઓ દિલ્હીના વિકાસમાં યોગદાન આપી રહી છે. ડીડીએ ગરીબો માટે ઘરો બનાવે છે અને રાષ્ટ્રીય
રાજમાર્ગ પ્રાધીકરણ રસ્તાઓનું નિર્માણ ભાજપ સાંસદોની માગ પર દિલ્હી માટે ચાર માર્ગ
યોજનાઓને મંજૂરીનો ઉલ્લેખ કરીને પણ વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ સરકાર
આવતાં વિકાસ કાર્યોમાં વેગ આવશે.
દિલ્હી
વિધાનસભા માટે ભાજપે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ બહાર પાડી દીધું છે. જેમાં 29 ઉમેદવારોનાં
નામ છે. દિલ્હી બેઠક ઉપર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પ્રવેશ વર્માને ટિકિટ આપવામાં આવી
છે. જ્યારે કાલકાજી બેઠકથી મુખ્ય પ્રધાન આતિષી સામે રમેશ બિઘૂડીને ટિકિટ આપી છે. ‘આપ’એ પહેલાં જ 70 બેઠકો પર પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે. જ્યારે
કૉંગ્રેસે અત્યાર સુધી ત્રણ લિસ્ટ બહાર પાડયાં છે, જેમાં 48 ઉમેદવારોને ટિકિટ આપવામાં
આવી છે. નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ વિરુદ્ધ કૉંગ્રેસે સંદીપ દીક્ષિતને ટિકિટ આપી
છે, જ્યારે મુખ્ય પ્રધાન આતિષી વિરુદ્ધ અલકા લાંબાને ટિકિટ આપી છે. આ ઉપરાંત ભાજપે
બીજા એવા ઉમેદવારોને ટિકિટ આપી છે જેઓ પક્ષની જીત માટે સારી છબી ધરાવે છે. પક્ષોના
પ્રાથમિક લિસ્ટ જોતાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ હશે, જે ચૂંટણી -
કટોકટ રોચક બનવાની છે.