રંગીલા
રાજકોટમાં ક્રિકેટની મોસમ ખીલી ઉઠી છે. જાન્યુઆરી માસ રાજકોટ માટે ક્રિકેટ ઉત્સવ સમાન
બની રહેશે. શુક્રવારથી નિરંજન શાહ સ્ટેડિયમ પર ભારત અને આયરલેન્ડની મહિલા ટીમ વચ્ચેની
3 મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. જેનો બીજો મેચ 12મી અને ત્રીજો મેચ 1પમીએ એટલે
કે મકર સંક્રાંતિના પછીના દિવસે રમાશે. ખાસ વાત એ છે કે આ ત્રણેય મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં
વિના મૂલ્યે પ્રવેશ મળશે. મંગળવારે બન્ને ટીમનો ખંઢેરી સ્ટેડિયમ પર વોર્મઅપ સેશન યોજાયું
હતું. જેમાં બન્ને ટીમની ખેલાડીઓએ હળવી કસરત અને જોગિંગ સાથે ફૂટબોલની મજા માણી હતી
અને હળવી નેટ પ્રેકટીસ કરી હતી. ટીમ ઇન્ડિયાની ઇનચાર્જ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ રાજકોટના
સ્ટેડિયમની તુલના લોર્ડસના ગ્રાઉન્ડ સાથે કરી હતી. આયરલેન્ડની ખેલાડીઓ પણ રાજકોટ સ્ટેડિયમની
સુવિધાઓથી પ્રભાવિત થઇ હતી. ભારત-આયરલેન્ડ મહિલા શ્રેણીની સમાપ્તિ બાદ રાજકોટમાં ટીમ
ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 28મીએ ટકકર થશે. (નિશુ કાચા)