કેન્દ્ર
સરકારે ગતસપ્તાહે પ્રગટ કરેલો માસિક પારિવારિક વપરાશી ખર્ચ સર્વેક્ષણ 2023-24નો અહેવાલ
સૂચવે છે કે ભારતીય ગ્રાહકોના ખર્ચનું સ્વરૂપ બદલાઈ, સુધરી રહ્યું છે. અર્થતંત્રમાં
માગના અભાવ વિષે વ્યાપક ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે આવી પ્રથમદર્શી માહિતી આપતા સર્વેક્ષણની
આતુરતાથી રાહ જોવાતી હતી. 2022-23 માટેનું સર્વેક્ષણ 2011-12 પછી એટલે અગિયાર વર્ષના
અંતરાલ પછી હાથ ધરાયુ હતું. 2023-24નું સર્વેક્ષણ તેની વાંસોવાંસ હાથ ધરીને સરકારે
ડહાપણનું કામ કર્યું છે. પ્રારંભમાં જ સ્પષ્ટતા કરીએ કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના
આ સર્વેક્ષણના આંકડા પૂરેપૂરા ભરોસાપાત્ર નથી, કેમ કે શહેરોના ધનિક વર્ગના લોકો પોતાના
વપરાશી ખર્ચ અને જીવનશૈલી વિષે વિગતવાર માહિતી આપવા ઉત્સાહી હોતા નથી. દાખલા તરીકે
સર્વેક્ષણ અનુસાર 2023-24માં શહેરોના ટોચના પાંચ ટકા પરિવારોનો સરેરાશ માસિક વપરાશી
ખર્ચ રૂ. 21,000થી ઓછો હતો, જે કોઈ રીતે ગળે ઉતરે એમ નથી. આમ છતાં ગ્રાહક વર્તણૂકના
એકંદર પ્રવાહોની દ્રષ્ટિએ તે મૂલ્યવાન માહિતી
પૂરી પાડી શકે છે જે નીતિગત ફેરફારોનો આધાર બની શકે.
શહેરી
તેમ જ ગ્રામ વિસ્તારોમાં વપરાશી ખર્ચ વધી રહ્યો છે. 2023-24માં ગ્રામીણ તેમ જ શહેરી
પરિવારોના વપરાશી ખર્ચમાં 2022-23ની તુલનામાં 3.5 ટકાનો વધારો નોંધાયો હતો. જો કે શહેરો
કરતાં ગ્રામ વિસ્તારોમાં મોટો વધારો જોવાયો હતો. આમ ગામડાં અને શહેરો વચ્ચેનો તફાવત
ઘટી રહ્યો છે. બીજું, છેવાડાના પાંચ ટકાનો
ખર્ચવધારો ટોચના પાંચ ટકા પરિવારોના ખર્ચવધારા
કરતાં વધારે મોટો હતો. તળિયાના પાંચ ટકા પરિવારોનો વપરાશી ખર્ચ ગ્રામ વિસ્તારોમાં
22 ટકા અને શહેરી વિસ્તારોમાં 18.7 ટકા વધ્યો હતો. તેથી ઉલટું ટોચના પાંચ ટકા પરિવારોનો
વપરાશી ખર્ચ ગામડાંમાં 3.5 ટકા અને શહેરોમાં 2.5 ટકા ઘટ્યો હતો, જેનું પ્રતાબિંબ એફએમસીજી
કંપનીઓની મંદીમાં ઝીલાય છે.
સર્વેક્ષણનું
સૌથી મહત્ત્વનું તારણ એ પરિવારોના ખોરાક પરના ખર્ચનું પ્રમાણ ઘટી રહ્યું છે. શહેરી
પરિવારો ખાધાખોરાકી પર તેમની આવકના 40 ટકાથી અને ગ્રામીણ પરિવારો 50 ટકાથી ઓંછો ખર્ચ
કરે છે. તેમાં પણ અનાજ પર ઓછો અને શાકભાજી,
ફળો અને પ્રોસેસ્ડ ફૂડ પર વધારે ખર્ચ થાય છે. મફત અનાજ યોજના આને માટે અમુક અંશે કારણરૂપ
હોઈ શકે. આ તારણોને પગલે સરકારે ગ્રાહક ભાવાંકમાં અનાજકઠોળનો ભારાંક ઘટાડવો જોઈએ અને
અનાજ પરની સબસિડીઓનો ફેરવિચાર કરવો જોઈએ. રિઝર્વ બેન્કે પણ નાણાનીતિ ઘડતી વખતે ફુગાવાના
આકલનમાં અનાજના ભાવવધારાને કેટલું મહત્ત્વ આપવું તે નવેસરથી વિચારવા જેવું છે. સર્વેક્ષણ દર્શાવે છે કે
2011-12 પછી આવકની અસમાનતા ઘટી છે પરંતુ ઉત્તરનાં અને દક્ષિણનાં રાજ્યો વચ્ચેના પારિવારિક
વપરાશી ખર્ચમાં ભારે અસમાનતા રહેલી છે.