રાજધાનીમાં
વિધાનસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું : તમામ બેઠકો ઉપર એકસાથે મતદાન : આચારસંહિતા લાગુ
આનંદ
કે. વ્યાસ
નવીદિલ્હી,
તા.7 : દેશની રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. મુખ્ય
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીની તમામ
70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ચૂંટણીની
તારીખોની જાહેરાત સાથે દિલ્હીમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે.
આજે
જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર 10 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ
થશે. 17 જાન્યુઆરી ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હશે. 18 જાન્યુઆરીએ નામાંકન પત્રોની
ચકાસણી કરવામાં આવશે. 20 જાન્યુઆરી સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. 5 ફેબ્રુઆરીએ તમામ
બેઠકો માટે એકસાથે મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
13,033
મતદાન મથકો બનાવવામાં આવશે. તમામનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે. તેમાંથી 70 મહિલા મતદાન
કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવશે. દરેક બૂથ પર સરેરાશ 1191 મતદારો હશે. 85 વર્ષથી વધુ
ઉંમરના લોકો ઘરેથી મતદાન કરી શકે છે.
મુખ્ય
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દિલ્હીમાં
હવે 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં કુલ 83,49,645 પુરુષ અને 71,73,952
મહિલા મતદારો છે. થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 1261 છે.
છેલ્લે
2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતી
મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70 બેઠકોમાંથી 62 બેઠકો જીતી હતી. ભાજપને 8 બેઠકો મળી હતી
અને કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી. આમ આદમી પાર્ટીને 54 ટકા, ભાજપને 39 ટકા અને કોંગ્રેસને
5 ટકાથી ઓછા વોટ મળ્યા હતા.