• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

મલેશિયા, હોંગકોંગમાં HMPVનાં કેસમાં તીવ્ર ઉછાળો

ભારતમાં કુલ 7 કેસ સામે આવ્યા : નવા વાયરસથી નહીં ગભરાવાની અપીલો

નવી દિલ્હી, તા.7: ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવેલા કોરોના વાઈરસને કારણે દુનિયામાં સર્જાયેલી કોવિડ કટોકટીના પાંચ વર્ષ પછી ફરી એકવાર ચીનનાં હિસાબે જ નવી ઉપાધી આવી પહોંચી છે. હ્યુમન મેટાન્યૂમો વાઈરસ (એચ. એમ. પી. વી.)ના કેસો અનેક દેશોમાં વધી રહ્યા છે. ચીનનાં પાડોશી દેશોમાં પણ એચ.એમ.પી.વી.ના કેસોમાં ઝડપી વધારો નોંધાયો છે. મલેશિયા, હોંગકોંગ અને જાપાનમાં નવા વાઈરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે.

મલેશિયા અને હોંગકોંગમાં કેસોમાં 46 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં એચએમપીવીના સાત કેસ નોંધાયા છે, જેમાં કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં બે-બે અને ગુજરાતમાં એક કેસ નોંધાયો છે. તેમાંથી કેટલાકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં પણ એચ.એમ.પી.વી.ના કેસ નોંધાયા છે. આ સ્થિતિએ વિશ્વભરના દેશોની ચિંતામાં વધારો કર્યો છે અને કોવિડ-19 જેવી કટોકટી આવી શકે છે કે કેમ તે અંગે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે, ઇન્ડોનેશિયા અને વિયેતનામે જણાવ્યું હતું કે તેઓ ચીનમાં એચએમપીવીની સ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે અને હાલમાં ગભરાવાની જરૂર નથી. આ દેશો તેમના નાગરિકોને ગભરાવાની અપીલ કરી રહ્યા છે.

મલેશિયાએ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નવા વાયરસ અંગે તેના નાગરિકોને સલાહ જારી કરી છે. મલેશિયાની સરકારે તેના નાગરિકોને કોવિડ જેવા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે અને ચેપથી બચવા માટે સાવચેતી તરીકે લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા કહ્યું છે. ઉપરાંત, જ્યારે તમે ઉધરસ અથવા છીંકણી કરો છો ત્યારે ચહેરાનું માસ્ક પહેરો અને તમારા મોં અને નાકને ઢાંકી દો. લોકોને ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવાની સલાહ આપવામાં આવી છે. વિદેશથી પરત ફરી રહેલા લોકોના સંપર્કમાં આવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક