• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ગુલમર્ગમાં હિમપ્રપાત : 16 રાજ્યમાં ગાઢ ધુમ્મસ

કાશ્મીરમાં ભારે બરફવર્ષાથી જનજીવન પર અસર : યુપીમાં ઠંડીથી 25નાં મોત

શ્રીનગર, તા. 7 : જમ્મુ-કશ્મીરના ગુલમર્ગ ખાતે સવારે  હિમપ્રપાત થયો હતો. આ વિસ્તારમાં બે ફૂટ દૂર સુધી બરફવર્ષા બાદ થયેલા હિમ પ્રપાતમાં હાલ કોઈ નુકસાનીની જાણકારી નથી.

હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બેથી ત્રણ દિવસ સુધી હિમવર્ષા થવાની આશંકા છે. ગુલમર્ગ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં બરફવર્ષા થતાં મુઘલ રોડ, શ્રીનગર માર્ગ, સેમથાન-કિશ્તવાડ માર્ગ અને ગુરેજ હાઈવેને બંધ કરાયા હતા.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 16 રાજ્યમાં ધુમ્મસ જોવા મળ્યું હતું. પંજાબ, જમ્મુ, ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં દૃશ્યતા શૂન્ય થઈ જતાં ઉત્તરપ્રદેશમાં 25 ઉડાન અને ટ્રેનો મોડી થઈ હતી. ઠંડીના પગલે ઉત્તરપ્રદેશમાં 48 કલાકમાં 25 લોકોનાં મોત થયાં હતાં. બિહારના કટીહાર, પુણિયા સહિત 20 જિલ્લામાં શીતલહેરની જાહેરાત કરાઈ છે. રાજસ્થાનમાં પણ ઠંડીનું જોર વધતાં 20 જિલ્લાની શાળાઓમાં રજા અપાઈ છે.

અમેરિકામાં હિમ તોફાન : 30  રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત

વિક્રમી હિમવર્ષાથી તાપમાન  સામાન્યથી સાતથી 14 ડિગ્રી સેલ્સિયસ નીચે : 1400 ફલાઇટ રદ

નવી દિલ્હી, તા.7: અમેરિકામાં ભારે હિમવર્ષા, પવનને કારણે આકરી ઠંડી પડી રહી છે. જેની અસર અમેરિકાના મધ્ય અને ઉત્તર ભાગોમાં વધુ થઇ છે. જેને કારણે અનેક રાજ્યોમાં સ્કૂલો અને સરકારી ઓફિસોને બંધ રાખવાની ફરજ પડી છે. 30 જેટલા રાજ્યોના 10 કરોડથી વધુ લોકો આકરી ઠંડીના ઓથાર હેઠળ છે. 1,400થી વધુ ફલાઇટ્સ રદ કરાઇ છે. 740 વિમાનોની મુસાફરી વિલંબમાં મુકાઇ હતી.  2000થી વધુ વાહનો વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. કેન્સાસ, પશ્ચિમ નેબ્રાસ્કા અને ઇન્ડિયાનાના કેટલાક ભાગોમાં બરફના કારણે મુખ્ય રસ્તાઓ ઢંકાઈ ગયા હતા, જ્યાં રાજ્યોના નેશનલ ગાર્ડને ફસાયેલા વાહનચાલકોને મદદ કરવા સક્રિય કરવામાં આવ્યા હતા. કેન્ટુકી, ઇન્ડિયાના, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, ઇલિનોઇસ અને મિસૌરીમાં લાખો લોકો વીજળી કાપને કારણે અંધારપટમાં છે. નેશનલ વેધર સર્વિસે કન્સાસ અને મિસૌરી માટે સ્ટોર્મ વોર્નિંગ્સ જારી કર્યું છે. ન્યૂ જર્સીમાં આકરી ઠંડીને કારણે એલર્ટ છે. હિમવર્ષા એટલી વધી થઇ રહી છે કે છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તૂટી જાય તેવી સંભાવના છે. બે-તૃતિયાંશ અમેરિકામાં ખતરનાક, હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તાપમાન સામાન્યથી 7થી 14 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચ્યું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અનેક દિવસો સુધી આકરી ઠંડી રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક