• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

રાત્રે મતદાનની ટકાવારી શા માટે વધી જાય છે? કારણોની સ્પષ્ટતા આપતા સીઈસી

ઈવીએમથી ચૂંટણી સામે તમામ પ્રકારની શંકાઓ નકારી કાઢતા સીઈસી

નવી દિલ્હી, તા. 7: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં કાર્યક્રમનાં એલાન સાથે આજે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) રાજીવ કુમારે લોકસભાની ચૂંટણી દરમિયાન ઈવીએમથી ચૂંટણી સામે કરવામાં આવેલી તમામ આશંકાઓ અને પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનરે તે પણ સમજાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા સુધી મતદાનની ટકાવારી કેવી રીતે વધે છે.

 તેમણે કહ્યું હતું કે, મતદાન સાંજે 6 વાગ્યા સુધી થાય છે. ઘણા વિસ્તારોમાં અથવા મતદાન મથકોમાં આ સમયમર્યાદા પછી પણ મતદાન ચાલુ રહે છે અને તે પૂરં થયા પછી ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવે છે. તેમણે કહ્યું કે આ બધા કાર્યો પૂર્ણ થયા પછી જે ડેટા આવે છે. જે સ્વાભાવિક રીતે સાંજે 6 વાગ્યાના આંકડા કરતા વધારે હોય છે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઇવીએમમાં છેડછાડની શક્યતાને પણ ફરી એકવાર નકારી કાઢી હતી. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ઇવીએમ એક ફૂલપ્રૂફ ઉપકરણ છે. વાયરસ ઇવીએમમાં પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

મુખ્ય ચૂંટણી પંચે કહ્યું હતું કે, ઇવીએમમાં છેડછાડની વાતમાં કોઈ દમ નથી. સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે, ઇવીએમને હેક કરી શકાતા નથી, પરંતુ ઇવીએમ પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ઇવીએમ ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા તૈયાર થઈ જાય છે અને મતદાન પછી ઇવીએમને એજન્ટની સામે સીલ કરી દેવામાં આવે છે. ઇવીએમમાં ગેરકાયદેસર મતદાનની કોઈ શક્યતા નથી. ઇવીએમ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે મતદાર યાદીમાં ખોટી રીતે નામ ઉમેરવા અને કાઢી નાખવાના આરોપો પર પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આ આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દેશભરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે પ્રતિબદ્ધ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક