• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

તિબેટમાં ભૂકંપથી તબાહી: 95નાં મૃત્યુ

સવારે 6.8ની તીવ્રતાથી ધરતી ધણધણી : ઝિઝાંગ શહેરના ડિંગરીમાં ઈમારતો જમીનદોસ્ત, ચારેકોર કાટમાળ, બચાવ-રાહત પૂરજોશમાં શરૂ

નવી દિલ્હી, તા.7: તિબેટમાં આજે આજે આવેલા ભયાનક શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. આ ધરતીકંપમાં કમસેકમ 95 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 130થી વધુ લોકો ઘાયલ થયા હોવાનાં અહેવાલ છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક્સ સેન્ટર (સીઇએનસી) અનુસાર આ ભૂકંપ આજે સવારે 9:05 વાગ્યે આવ્યો હતો અને રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધાઈ હતી.

ચીનના સરકારી મીડિયા અનુસાર, તિબેટના ઝિઝાંગ શહેરના ડિંગરી કાઉન્ટીમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ આવતા 95 લોકોના મૃત્યુ નીપજ્યા છે. 130થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર પેટાળમાં 10 કિમીની ઊંડાઈએ હતું.

આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. ચીનના સરકારી પ્રસારર્ક સીસીટીવીએ જારી કરેલા વીડિયોમાં જમીનદોસ્ત થયેલા મકાનો જોઈ શકાતા હતા એવા વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો કોરિડોરમાંથી દોડતા જોઈ શકાય છે. ઘરોની અંદરની છાજલીઓ ઝડપથી ધ્રુજી રહી છે. વસ્તુઓ જમીન પર પડી રહી છે.

ભૂકંપ પછી ચીન ભૂકંપ વહીવટીતંત્રે લેવલ-2 આપાત સેવા શરૂ કરી છે. આપત્તિ રાહત પ્રયાસોમાં મદદ કરવા માટે એક ટાસ્ક ફોર્સ સ્થળ પર મોકલવામાં આવી છે. શિજાંગ સ્વાયત્ત પ્રદેશે પણ ભૂકંપ માટે સ્તર-2 કટોકટી પ્રતિક્રિયા જારી કરી હતી. કપાસના તંબુ, સુતરાઉ કોટ, રજાઇ અને ફોલ્ડિંગ બેડ સહિત લગભગ 22,000  આપત્તિ રાહત સામગ્રી મોકલવામાં આવી છે. ઉપરાંત, કેન્દ્રીય સત્તાવાળાઓ દ્વારા ભૂકંપ પ્રભાવિત ઠંડા વિસ્તારો માટે વિશેષ રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત 1500થી વધુ સ્થાનિક ફાયર અને બચાવ કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે. ભૂકંપનું કેન્દ્રાબિંદુ ડિંગરી કાઉન્ટીના ત્સોગો ટાઉનશીપમાં હતું, જેની વસ્તી 20 કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ 6,900 લોકોની છે. જિલ્લામાં 27 ગામો આવેલા છે. સત્તાવાર માહિતી દર્શાવે છે કે ડિંગરી કાઉન્ટીની વસ્તી 61,000થી વધુ છે.

આ પહેલા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ જણાવ્યું હતું કે મંગળવારે સવારથી જ તિબેટ ક્ષેત્રના શિજાંગમાં આંચકા અનુભવાઈ રહ્યા હતા. સવારે 6:30 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ 7.1ની તીવ્રતાનો આવ્યો હતો અને પછી  7:02 વાગ્યે 4.7ની તીવ્રતાનો ભૂકંપ, 07:07 વાગ્યે 4.9ની તીવ્રતાનો ભૂકંપ અને 7:13 વાગ્યે પાંચ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. શ્રેણીબદ્ધ ભૂકંપથી જમીન ધણધણી ઉઠતા લોકો પોતાના ઘર છોડીને ખુલ્લા મેદાનમાં દોડી ગયા હતાં. ભારતના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનાં વ્યાપમાં સૌથી વધુ બિહાર આવી ગયું હતું. આ ઉપરાંત આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ આંચકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. યુએસજીએસના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર લોબુચેથી 93 કિમી ઉત્તરપૂર્વમાં હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક