દેશમાં
છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક વહીવટ કેશલેસ થઈ રહ્યા છે તે સારા સંકેત છે પરંતુ સાયબર
અપરાધને લીધે લોકો પણ કેશ-લેસ થઈ રહ્યા છે એટલે કે લાખો રૂપિયાની છેતરપિંડી ઓનલાઈન
વ્યવહારોને લીધે થઈ રહી છે. સાયબર ક્રાઈમ આર્થિક જ નહીં સામાજિક દૃષ્ટિએ પણ ગંભીર બાબત
છે. પોલીસ અને અન્ય એજન્સીઓ આ બાબતે સતત અપડેટ થઈ રહી છે છતાં આ પડકાર નાનો નથી. વિશ્વસ્તરની
આ સમસ્યા છે અને તેના અનેક પાસાં છે.
શનિવારે
રાજકોટમાં સાયબર ક્રાઈમ ઉકેલવા માટેની એક અદ્યતન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે
રાજ્યના ગૃહમંત્રીએ તો એવું કહ્યું કે ‘શહેરી વિસ્તાર અને શિક્ષિત લોકો સાઈબર ક્રાઈમનો
ભોગ વધારે બને છે. આ ઉપરાંત તેમણે એવી વાત કરી કે સાયબર ક્રાઈમને લીધે આર્થિક નુકસાન
તો છે પરંતુ સામાજિક નુકસાન વધારે છે. માણસોના અંગત જીવન માટે પણ આ જોખમી છે.’ તેમણે
એવું પણ કહ્યું કે ‘સામાન્ય ગુનાઓ કરતાં પણ સાયબર ક્રાઈમનું પ્રમાણ વધારે છે.’ સરકારે ઉદ્યોગપતિઓના સહયોગથી આ લેબોરેટરી બનાવી
પરંતુ આવા કિસ્સાઓમાં લોકજાગૃતિ સૌથી અગત્યની બાબત છે.
કેન્દ્રીય
ગૃહ મંત્રાલયના તાજા વાર્ષિક અહેવાલ મુજબ સાયબર ઠગો રોકાણનાં નામે કે સાયબર એરેસ્ટ
જેવા કારસા દ્વારા લોકોની સાથે આર્થિક છેતરપિંડી કરી રહ્યા છે. આમાં લોકો રોજના કરોડો
રૂપિયા ગુમાવી રહ્યા છે. જે લોકો ઇન્ટરનેટનાં
માધ્યમથી વધુ ઓનલાઇન પેમેન્ટ કરે છે, અસલામત લિંક અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદી કરે
છે તેવા લોકો સાયબર ઠગોની નજરમાં હોય છે. વળી
તાજતેરના સમયમાં સાયબર એરેસ્ટનાં નામે નિર્દોષ લોકોને ઠગવાનું ચલણ વધી ગયું છે, જેમાં
કરોડો રૂપિયાની ઠગાઇ થઇ રહી છે. વપરાશકારોને
ઓનલાઇન બુલિંગ, બ્લેકમેઇલિંગ, ફિશિંગ વગેરે
રીતે સપડાવવામાં ઠગો ટાંપીને બેઠા હોય છે.
ગૃહ
મંત્રાલયના આ અહેવાલ મુજબ વર્ષ 2021થી માર્ચ 2024 વચ્ચે ભારતમાં 14,570 કરોડ રૂપિયાની
સાયબર ઠગાઇ થઇ હતી. આ સમયગાળા દરમ્યાન સાયબર
ગુનાના 2.16 કરોડ કેસ પોલીસના ચોપડે નોંધાયા હતા. એક અંદાજ એવો છે કે, વર્ષ 2023માં સાયબર છેતરપિંડીમાં
વિશ્વભરના લોકોએ લગભગ 5.7 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા
હતા, જે પાંચ વર્ષમાં 2028 સુધી 13.82 ટ્રિલિયન
ડોલર થઇ જશે એવો અંદાજ બંધાઇ રહ્યો છે.
આજકાલ ઇન્ટરનેટ પર પીગ બુચરિંગ અથવા ઇન્વેસ્ટમેન્ટ સ્કેમના આધારે ઠગાઇ થાય છે.
આમાં સાયબર ગઠિયા સામાવાળા નિર્દોષ લોકોનો વિશ્વાસ જીતીને ક્રિપ્ટો કરન્સી અથવા
રોકાણની અન્ય કોઇ યોજનામાં નફાની લાલચ આપીને
ખંખેરી લતા હોય છે.
ભારતમાં
સાયબર ગુનાખોરીના બેકાબૂ ચલણને નાથવા હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કમર કસી છે. આ માટે ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્રની
રચના કરીને હેલ્પલાઇન વાટે આવા ગુનાની તત્કાળ જાણ કરવાની અને તે
મુજબ પગલાં લેવાની વ્યવસ્થા ગોઠવી છે. સરકારનાં
આ પગલાં આવકાર્ય છે, પણ અધૂરાં છે. ટેક્નોલોજીના
યુગમાં છેતરપિંડીના નવા-નવા માર્ગો શોધવામાં પાવરધા ગઠિયા બહુ ઝડપથી નવી જાળ બિછાવતા રહે છે અને
સામાન્ય લોકો તેમાં સપડાતા રહે છે. સરકારે તેનાં પગલાંને વધુને વધુ
અસરકારક બનાવવા સતત સાબદા રહેવાની જરૂરત છે.