• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

રાજઘાટ પર બનશે સ્વ. પ્રણવ મુખરજીનું સ્મારક

મનમોહન સિંઘનાં સ્મારક માટે વિવાદ વચ્ચે મોદી સરકારનો અનપેક્ષિત નિર્ણય: માગણી વિના સરકારે કરેલા નિર્ણયથી મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠા ગદ્ગદ

નવી દિલ્હી, તા.7: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘનાં નિધન પછી અંતિમ સંસ્કાર અને સ્મારકનાં સ્થળ અંગે મોટો રાજકીય વિવાદ સર્જાઈ ગયો હતો. આ પૃષ્ઠભૂમિમાં આજે કેન્દ્ર સરકારે રાજઘાટ ખાતે ‘રાષ્ટ્રીય સ્મૃતિ’ સ્થળ ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સ્મારક માટે પણ સ્થળને મંજૂરી આપી દીધી છે. પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠાએ આ નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, માગ્યા વિના આ સન્માન પ્રાપ્ત થયું છે, તેથી તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

શર્મિષ્ઠાએ એક્સ ઉપર એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને બાબાનું સ્મારક બનાવવાના તેમની સરકારના નિર્ણય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ નિર્ણય મહત્ત્વનો એટલે છે કે, તેનાં માટે કોઈ માગણી કરવામાં આવી નહોતી. પ્રધાનમંત્રીના આવા અણધાર્યા અને દયાળુ કામે મને ભાવુક કરી છે.

આગળ તેમણે કહ્યું હતું કે, ‘બાબા કહેતા હતા કે રાજ્યનું સન્માન માગવું જોઈએ નહીં, પરંતુ તે પેશ થવું જોઈએ. હું ખૂબ આભારી છું કે પ્રધાનમંત્રી મોદીએ બાબાની સ્મૃતિને સન્માન આપવા માટે આ કર્યું. આની બાબાની હાલની સ્થિતિ પર કોઈ અસર પડવાની નથી કારણ કે તેઓ પ્રશંસા અથવા આલોચનાથી પર છે પરંતુ તેમની દીકરી માટે હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મનમોહન સિંઘનાં નિધન પછી શર્મિષ્ઠાએ કોંગ્રેસ સામે નિશાન તાંક્યું હતું અને કહ્યું હતું કે, તેમના પિતાના નિધન પર કોંગ્રેસ કાર્યકારી સમિતિની કોઈ ઔપચારિક શોક સભા બોલાવવામાં આવી ન હતી. આ વાતથી તેને ઘણું દુ:ખ થયું હતું. બાબાના મૃત્યુ સમયે હું સક્રિય રાજકારણમાં અને કોંગ્રેસમાં હતી. મને એ જાણીને આઘાત લાગ્યો હતો કે સીડબલ્યુસીની કોઈ ઔપચારિક બેઠક બોલાવવામાં આવી ન હતી અને કોઈ શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો ન હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક