• ગુરુવાર, 13 માર્ચ, 2025

બેહાલ પાકિસ્તાન

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત રાજધાની ક્વેટાથી આશરે 100 કિલોમીટર દૂર સ્થિત બોલન સ્ટેશન પર બલૂચ લિબરેશન આર્મી એટલે કે બીએસએના અલગતાવાદીઓ દ્વારા જાફર એક્સ્પ્રેસ ટ્રેનનું અપહરણ અને 180થી વધુ ઉતારુઓને બંધક બનાવવાની ઘટના ચોંકાવનારી છે. આર્થિક રીતે ખખડી ગયેલા પાકિસ્તાનની આંતરિક સ્થિતિ અને સુરક્ષા પર આ બાબત ગંભીર પ્રશ્નાર્થચિહ્ન સમાન છે. આ ઘટના પાકિસ્તાનમાં અરાજક્તા અને વધતા જન અસંતોષને પણ દર્શાવે છે.

બલૂચિસ્તાનથી પસાર થતી જાફર એક્સ્પ્રેસ પર આ પહેલો હુમલો નથી. આ ટ્રેનમાં સામાન્ય રીતે સરકારી કર્મચારી, સૈનિક અને અધિકારીઓ પ્રવાસ કરતા હોય છે, આ માટે બીએસએની આના પર નજર રહેતી હોય છે. બીએસએ અફઘાનિસ્તાનના દક્ષિણ વિસ્તારમાં સક્રિય બલૂચ રાષ્ટ્રવાદી અંતિમવાદી સંગઠન છે, જેનો ઉદ્દેશ્ય બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો છે.

પાકિસ્તાન સેનાના અત્યાચારો વિરુદ્ધ પણ બલૂચ લોકો છેલ્લા આશરે સાત દાયકાથી લડી રહ્યા છે. બીએસએની ગતિવિધિઓને સ્થાનિક સ્તર પર સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે. આ માટે પાકિસ્તાને તેની સાથે મંત્રણા કરવાના બદલે 2006માં જ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતના ભાગલા કરી પાકિસ્તાનની રચના કરી ત્યારે બ્રિટિશરોએ બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્રનો દરજ્જો આપ્યો હતો, પણ આગળ જતાં પાકિસ્તાન તેને ગળી ગયું હતું. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે, જે તેના ભૌગોલિક ક્ષેત્રનો લગભગ 44 ટકા હિસ્સો છે. નોંધનીય છે કે, આઈએમએફના કરજના બોજા તળે પાકિસ્તાન આર્થિક બેહાલીથી તો ઝઝૂમી રહ્યું છે. વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2025ના રિપોર્ટમાં પણ દુનિયાનો સૌથી મોટા આતંકવાદથી પ્રભાવિત દેશ તરીકેનું સ્થાન તે ધરાવે છે. આંકડા એ પણ જણાવે છે કે 2024માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 1600થી વધુ લોકો માર્યા ગયા હતા, જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ મોત હતાં.

પાકિસ્તાને આતંકવાદને હંમેશાં આશ્રય અને પોષણ આપ્યું છે હવે એ જ ખોળે બેઠેલા તેના ગળામાં હાડકાની જેમ ફસાયા છે. પાકિસ્તાને જે વાવ્યું છે એનાં ફળ મળી રહ્યાં છે. પાકિસ્તાનની તાસીર જ એવી છે કે જ્યારે પણ દેશમાં આંતરિક મુદ્દાઓ વધી જાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે ભારતવિરોધી સૂર આલાપવા લાગે છે. આવામાં ભારત માટે આવશ્યક છે કે તે પૂરી સતર્કતાની સાથે ઘટનાક્રમ પર બાજનજર રાખે. પાકિસ્તાનમાં વધુ એક વિભાજન આ ક્ષેત્ર માટે મોટી સમસ્યાનું કારણ બની શકે છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ICC વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓ છવાયા કપ્તાન રોહિત ફાયદા સાથે ત્રીજા સ્થાને : ગિલ ટોચ પર યથાવત્ March 13, Thu, 2025