નવી
દિલ્હી, તા.12: ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કર્યાં બાદ ટીમ ઇન્ડિયાને આવતા ત્રણ મહિના સુધી
કોઇ ઇન્ટરનેશનલ મેચ રમવાના નથી. ચેમ્પિયન્સ ટ્રોફી જીતીની ભારતીય ખેલાડીઓ જલ્દીથી સ્વદેશ
પરત ફરી ચૂકયા છે. તેઓ હવે તેમની ફ્રેન્ચાઇઝી ટીમ તરફથી આઇપીએલની 18મી સીઝન રમશે. ભારતીય
ખેલાડીઓ ભલે ત્રણ મહિના સુધી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમવાના ન હોય, પણ હેડ કોચ ગૌતમ ગંભીર
જૂનના અંતમાં શરૂ થનાર પાંચ ટેસ્ટ માટેના ઇંગ્લેન્ડ પ્રવાસની પોતાની યોજના અત્યારથી
જ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના 20 જૂનથી ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત થવાની છે. એ પહેલા
જ કોચ ગંભીરે ઇન્ડિયા એ ટીમ સાથે ઇંગ્લેન્ડ જવાનો નિર્ણય લીધો છે.
બીસીસીઆઇ
પાસે હાલ ઇન્ડિયા એ ટીમ માટે કોઇ નિયમિત કોચ નથી. મોટાભાગે એનસીએ ચેરમેન વીવીએસ લક્ષ્મણ
ઇન્ડિયા એ ટીમના કોચની ભૂમિકામાં હોય છે. હવે જો ગંભીર એ ટીમ સાથે જશે તો તેમની સાથે
લક્ષ્મણ હશે કે નહીં તે વિશે કોઇ જાણકારી બહાર આવી નથી. જો ગંભીર ઇન્ડિયા એ ટીમ સાથે
કોચના રૂપમાં ઇંગ્લેન્ડ પ્રવાસે જશે. જો એવું પહેલીવાર થશે કે સિનિયર ટીમનો કોઇ કોચ
એ ટીમનું કોચિંગ કરશે.
રિપોર્ટ
અનુસાર હેડ કોચ ગંભીર ઇંગ્લેન્ડ વિરુદ્ધની કઠિન પ મેચની ટેસ્ટ સિરીઝનો રોડમેપ તૈયાર
કરવા માંગે છે. આ ઉપરાંત તેમની નજર 2027ના વન ડે વિશ્વ કપ પર પણ છે. આથી તેઓ ઇન્ડિયા
એ ટીમ સાથે યાત્રા કરીને બેંચ સ્ટ્રેથ વધુ મજબૂત કરવા માંગે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં
બુમરાહની ગેરહાજરીમાં કોચ ગંભીરે કેટલાક વાઇલ્ડ કાર્ડ ખેલાડીઓ પર જુગાર ખેલ્યો હતે.
જેની સફળતા પછી કોચનો આત્મવિશ્વાસ વધ્યો છે. ભવિષ્યમાં પણ ગંભીર કેટલાક છૂપા રૂસ્તમ
ખેલાડી તૈયાર રાખવા માગે છે.
ગૌતમ
ગંભીરે ગત જૂલાઇમાં કોચ પદ સંભાળ્યું હતું. એ પછીથી ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં
સ્થિતિ કથળી છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે 0-3થી શરમજનક હાર સહન કરી હતી અને ઓસ્ટ્રેલિયા
પ્રવાસમાં 1-3થી શ્રેણી ગુમાવી હતી. હવેનો ટાસ્ક ઇંગ્લેન્ડ ટૂર છે. જેમાં ટીમ ઇન્ડિયાએ
પ ટેસ્ટ મેચ રમવાના છે. આ શ્રેણી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી સીઝન પર શરૂ
થશે.