ઓનલાઇન
જુગારખાનાં ચલાવનારાઓ અને ક્રિપ્ટો કરન્સી જેવી શંકાસ્પદ ચીજોમાં કામકાજ કરનારાઓની
એક પ્રબળ લોબી છે જે કેવળ પૈસાની તાકાતથી પોતાની અનિષ્ટ પ્રવૃત્તિઓને વાજબી ઠરાવવાનો
અને સત્તાવાર માન્યતા મેળવવા માટેનો ખુલ્લેઆમ પ્રચાર કરી શકે છે. ટ્રમ્પના એક નિર્ણયથી ભારતમાં આ લોબીને નવું બળ મળ્યું છે. ટ્રમ્પે પાંચ
ક્રિપ્ટો કરન્સીઓ (બીટકોઈન, રીપલ, સોલાના, કાર્નાડો અને ઇથિરિયમ)નું એક અનામત ભંડોળ
બનાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અપારદર્શક, તર્કહીન અને શંકાસ્પદ છે. રાષ્ટ્રીય
અનામત ભંડોળ પેટ્રોલિયમ જેવી વ્યૂહાત્મક ચીજોનું હોય છે જેથી કટોકટીના સમયમાં તેનો
પુરવઠો જાળવી શકાય. ક્રિપ્ટો કરન્સી તદ્દન નિરુપયોગી વસ્તુ હોવાથી તેને આ કારણ લાગુ
પડતું નથી. બીજું, અમેરિકાનો ડોલર આંતરરાષ્ટ્રીય રિઝર્વ કરન્સી છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં
તે સર્વત્ર સ્વીકારાય છે. અમેરિકાની સરકાર માત્ર સ્થાનિક જ નહિ, વિદેશી કરજ પણ ડોલર
છાપીને ચૂકવી શકે એમ છે. તેથી જ તે સોના સિવાય ભાગ્યે જ કોઈ ચલણની અનામત રાખે છે. ક્રિપ્ટો
કરન્સી જેવી નિરુપયોગી જણસ જેના ભાવમાં જોતજોતામાં જબ્બર વધઘટ થઇ શકે તેનું અનામત ભંડોળ
રચવાથી અમેરિકાને શો લાભ થશે એ સમજવું મુશ્કેલ છે.
અમેરિકામાં
અનામત ભંડારોની રચના સંસદના કાયદા દ્વારા કરવામાં આવે છે અને તેનો અંકુશ અને વહીવટ
સરકારી તંત્રના હાથમાં હોય છે. જો ક્રિપ્ટો કરન્સીનું ભંડોળ આ માર્ગે રચાય તો ટ્રમ્પ
તેની લેવેચના આદેશો આપી શકે. ક્રિપ્ટો કરન્સીઓનો પુરવઠો મર્યાદિત હોય છે. તેથી સરકાર
મોટા પાયે લેવેચ કરવા ઉતરે તો તેના ભાવમાં મોટી ઉથલપાથલ થાય. ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પનું
પોતાનું અને તેમના નજીકના સાથી ઈલોન મસ્કનું મોટું હિત હોવાનું કહેવાય છે. રિપલ અને
બીજી કેટલીક ક્રિપ્ટો કરન્સીઓની બ્લોકચેઇન ખાનગી પાર્ટીઓના હાથમાં છે અને તેઓ અમેરિકન
સરકારના સંપર્કમાં રહી શકે. આ સંજોગોમાં ક્રિપ્ટો કરન્સીઓનું અનામત ભંડોળ રચવાનો વિચાર
નૈતિક દ્રષ્ટિએ પણ શંકાસ્પદ છે.
ટ્રમ્પની
જાહેરાતના પગલે ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપીને કાનૂની નિયમન કરવાની નવેસરથી
હિમાયત થઇ રહી છે. સરકારે તેની સંદંતર ઉપેક્ષા કરવી જોઈએ. દુનિયાની મોટા ભાગની સરકારો
ઉચિત રીતે જ ક્રિપ્ટો કરન્સી સાથે કામ પાડવામાં
અસ્વસ્થતા અનુભવે છે. ભારત સરકાર અને રિઝર્વ બેન્કે મજબૂત કારણોસર ક્રિપ્ટો કરન્સીઓ
વિશેનો અણગમો અને અવિશ્વાસ કદી છુપાવ્યો નથી. આ નીતિ બદલવાનો વિચાર પણ જોખમી છે.