રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસીઓ અને તેમના માધ્યમથી આખા દેશના કોંગી નેતા, કાર્યકર્તાઓને ઘણો અગત્યનો સંદેશ આપ્યો છે “જ્યારે આવું ત્યારે ચૂંટણીની ચર્ચા થાય છે પરંતુ પ્રતિબધ્ધતાનું
શું ?’’ આવો પ્રશ્નાર્થ તેમના વકતવ્યમાં હતો. જો સત્તા જોઇતી હશે તો પક્ષને વફાદાર અને પ્રજા પ્રત્યે અભિમુખ રહેવું પડશે. કોંગ્રેસની નીતિ, કોંગ્રેસના કાર્યક્રમોને સંલગ્ન રહીને કામ કરવું પડશે. રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરેલા સવાલ, નેતાઓને આપેલી શીખ અને તેમના માટે રજૂ કરેલાં અવલોકનો પરથી કહી શકાય કે ત્રણ દાયકાથી સુષુપ્ત કોંગ્રેસને રાહુલ ગાંધીએ ઢંઢોળી છે. હવે જાગવું અને જાગૃત થવું કોંગ્રેસના હાથમાં છે.
‘ભારત જોડો યાત્રા’ પછી પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાને આંબી શકી નહોતી. અલબત્ત, 2019ની સરખામણીમાં તેની સ્થિતિ સુધરી હતી. ત્યાર પછી પણ જે-જે ચૂંટણી દેશમાં જ્યાં જ્યાં થઇ ત્યાં કોંગ્રેસે મોટા ભાગે કારમી હારનો અનુભવ કર્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે આપણે પ્રજા સાથે સંપર્ક કેમ નથી ? 30 વર્ષથી ભાજપ સત્તામાં છે, તેની કંઇક તો ખામી હશે તો કેમ લોકો તેને મત આપે છે ? પ્રશ્ન પૂછીને રાહુલ ગાંધીએ જવાબ પણ આપ્યો કે આપણામાંથી કેટલાક લોકો ભાજપ સાથે સંકળાયેલા છે, તેમાં જોડાયેલા છે. પ્રજાની વચ્ચે રહેવું પડશે. લોકો ભાજપની બી ટીમને મત આપવા નથી માગતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક ભાજપને મળી તે પછી તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી કોંગ્રેસે અતિ નબળો દેખાવ કર્યો છે. દિલ્હીની વિધાનસભાના પરિણામ પણ કોંગ્રેસ માટે અત્યંત નિરાશાજનક છે. આ સ્થિતિમાં રાહુલ ગાંધીની ચિંતા યોગ્ય છે. તેમણે આ વખતે તે ચિંતા સ્પષ્ટ શબ્દોમાં વ્યકત કરી છે પરંતુ એક મુદ્દો અહીં ચર્ચાવો જરૂરી છે. જ્યારે કોંગ્રેસના કોઇ નેતા પક્ષ છોડીને અન્ય પક્ષમાં જાય ત્યારે કોંગ્રેસ કહે છે ‘તેમને ખરીદી લેવાયા’ પરંતુ વેચાઉ કોઇ હોય તો જ કોઇ તેને ખરીદે ને ?
રાહુલ ગાંધીએ છેક આ વખતે, આટલા વર્ષે એવું સ્પષ્ટ કહ્યું કે હવે અમે કોંગ્રેસના આવા નેતાઓને ‘પક્ષવટો’ આપીશું. પક્ષના સિનિયર વ્યક્તિ તરીકે તેઓ આવું કહે કે કરે તે એમને આંતરિક મામલો અને અબાધિત અધિકાર છે પરંતુ કોંગ્રેસની અત્યારે સક્રિય કહેવાય, ચૂંટણી સમયે અને તે સિવાય સતત દોડે તેવી સભ્યસંખ્યા કેટલી ? જે લોકો પક્ષ માટે કામ ન કરતા હોય, પ્રલોભનોને વશ થઇને પક્ષની નિષ્ઠા નિભાવતા ન હોય તેમને દરવાજો દેખાડવાનો નિર્ણય યોગ્ય છે.
પરિવર્તનની જરૂર કોંગ્રેસમાં ઉપરથી નીચે સુધી જ નહીં, નીચેથી ઉપર સુધી પણ છે. આ દિશા કદાચ સાચી પકડાઇ છે. હવે મોદી સરકાર કે ભાજપ સરકાર વિશે નકારાત્મક પ્રચાર ઓછો કરી કોંગ્રેસ પોતે શું કરવા માગે છે તેના ઉપર ધ્યાન દેવામાં આવે, સંગઠન કેવી રીતે મજબૂત બનાવવું ? બૂથ સુધી કેવી રીતે કાર્યકર્તા ગોઠવાય તેના આયોજનની આવશ્યકતા છે. રાહુલે ઊંઘ ઉડાડી છે કદાચ, કોંગ્રેસીઓ જાગશે કે નહીં તે સમય કહેશે.