રાજ્યસભામાં કોંગ્રેસ નેતાના શબ્દ પ્રયોગથી હંગામો : ભાજપે ગણાવ્યું ઉપસભાપતિનું અપમાન
નવી દિલ્હી, તા.11 : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને પગલે મંગળવારે સંસદમાં ભારે હંગામો મચ્યો હતો. રાજ્યસભામાં જ્યારે શિક્ષણ મંત્રાલયના કામકાજ પર ચર્ચા શરૂ થતાં પહેલા ખડગેએ કહ્યું કે અમે ચર્ચા કરવા તૈયારી સાથે આવ્યા છીએ અને...
ડે.ચેરમેને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહને બોલવાનું કહ્યું અને ખડગેને અટકાવ્યા તો ખડગેએ કહ્યું કે શું શું ઠોકવાનું છે, અમે યોગ્ય રીતે ઠોકીશું. તેમના આવા શબ્દોને કારણે ભારે હંગામો મચી ગયો હતો. ડે.ચેરમેન હરિવંશે ખડગેને ટકોર કરી કે તમે સવારે બોલી ચૂક્યા છો. જેના પર ખડગેએ કહયું કે આ શું ડિક્ટેટરશિપ છે. હું હાથ જોડીને તમારી પાસે બોલવાની મંજૂરી માગી રહ્યો છું. જેના પર ડે.ચેરમેને કહ્યું કે અત્યારે દિગ્વિજય સિંહના બોલવાનો વારો છે, એટલે તમે બેસી જાવ. જેના પર ખડગેએ કહ્યું કે એ તો બોલશે જ, પરંતુ તમારે શું શું ઠોકવું છે અમે સારી રીતે ઠોકિશું, સરકારને પણ ઠોકિશું જ્યારે હરિવંશે આવા નિવેદન પર વાંધો ઉઠાવ્યો તો ખડગેએ બચાવ કર્યો કે અમે સરકારની નીતિઓને ઠોકવાની વાત કરી રહ્યા છીએ.
ખડગેની આવી વાત પર ગૃહના નેતા કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ કહ્યું કે વિપક્ષના નેતા તરીફથી આવી વાતનો કોઈ રીતે સ્વીકાર યોગ્ય નથી. તેઓ માફી માગે. આવા શબ્દોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવામાં આવે.