• ગુરુવાર, 13 માર્ચ, 2025

રાજકોટની SOSની હોસ્ટેલમાં વિદ્યાર્થીને સહાધ્યાયીઓએ પટ્ટાથી માર માર્યો

- ધો.12 સાયન્સની પરીક્ષા આપ્યા બાદ આઠ વિદ્યાર્થીઓ તૂટી પડયા  : જૂનાગઢમાં સારવારમાં દાખલ, પોલીસમાં ફરિયાદની તજવીજ : શાળા સંચાલકોનો ઘટના પર ઢાંકપીછોડો કરવા પ્રયાસ

 

રાજકોટ, જૂનાગઢ, તા. 12: રાજકોટની નામાંકિત ગણાતી એસઓએસ (સ્કૂલ ઓફ સાયન્સ) શાળાની ખંભાળા-ઈશ્વરીયા પાસે આવેલી હોસ્ટેલમાં રહીને આ જ શાળામાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને આઠ વિદ્યાર્થીઓએ પટ્ટા-ઢીકાપાટું વડે માર મારતા પીઠ પર ચાંઠા પડી ગયા હતા. શિક્ષણનું હબ ગણાતા રાજકોટ શહેરમાં સાયન્સનો અભ્યાસક્રમ ચલાવતી આ શાળામાં બનેલી આ રેગીંગ જેવી ઘટનાના વાલી-વિદ્યાર્થી જગતમાં ઘેરા પડઘાં પડયા છે. ત્રણેક દિવસ પહેલા બનેલી આ ઘટના પર પડદો પાડવા શાળા સંચાલકોએ પ્રયાસ કર્યા હતા. સાથોસાથ આ ગંભીર ઘટના નહીં અટકાવવા બદલ પણ હોસ્ટેલના સંચાલન સામે સવાલો ઉભા થયા છે. બીજી તરફ માર મારતા ઘવાયેલા વિદ્યાર્થીને જૂનાગઢ સિવિલમાં સારવામાં ખસેડાયો છે. આ ઘટના અંગે જૂનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટનાં ખંભાળા નજીક આવેલી એસ.ઓ.એસ. સ્કૂલમાં ધો.1રમાં અભ્યાસ કરતા, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના આલીદરના જૈમિન પ્રવિણભાઈ વાળા નામના વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા આઠ વિદ્યાર્થીઓ થોડા સમયથી પરેશાન કરતા હતા. પણ જૈમિન વાળા ધો.1ર સાયન્સની પરીક્ષા હોવાથી સહપાઠીઓની હરકતો સહન કરતો હતો. આ વિદ્યાર્થી ધોરણ 11માં હતો ત્યારે પણ તેની મશ્કરી કરતા હતા.

તાજેતરમાં તારીખ 9ના રોજ બોર્ડની પરીક્ષા પૂર્વે જૈમિનને આ સ્કૂલમાં અભ્યાસ કરતા તિર્થરાજ, પ્રિન્સ, પર્વ, નયન સહિતનાઓએ પોતાના રૂમમાં બોલાવી માર માર્યો હતો. અગાઉની માથાકુટ અંગે વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થયા બાદ એકલાને બોલાવી માર માર્યો હતો. પરંતુ બોર્ડની પરીક્ષા નજીક હોવાથી કોઈને જાણ કરી ન હતી. તેથી પરીક્ષામાં ખલેલ પહોંચે તે ઈરાદે ઉપરોક્ત વિદ્યાર્થીઓ પરેશાન કરતા હતા. દરમ્યાનમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના સમયે એટલે કે ગત તા.10નાં આ વિદ્યાર્થીઓએ જ્ઞાતિ પરત્વે મજાક ઉડાવી, પટ્ટા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાના પિતાને ફોન કરી પોતાને આ શાળામાં ભણવુ નથી તેવી જાણ કરી હતી.

આ સાથે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા વિદ્યાર્થીના પિતા પ્રવિણભાઈ વાળા રાજકોટ શાળાએ પહોંચ્યા હતા. ત્યાં પોતાના પુત્રને મળતા જૈમિને પોતાના પિતાને પોતાના ઉપર ઘટેલી ઘટનાથી વાકેફ કરી આઠ વિદ્યાર્થીઓએ પટ્ટાથી માર માર્યાના નિશાન બતાવતા તેના પિતા ચોંકી ઉઠયા હતા.

આ બનાવની શાળા સંચાલકોને જાણ કરતા તેઓએ લાજવાને બદલે ગાજી, હુમલાખોર છોકરાઓને કાઢી મુક્યા છે. તમે આ અંગે કોઈ ફરિયાદ ન કરતા તેમ જણાવી દીધુ હતું. સંચાલકોના આ અભિગમથી પિતા પ્રવિણભાઈ વાળા પોતાના પુત્રની સારવાર રાજકોટ કરાવવાને બદલે જૂનાગઢ લાવ્યા હતા. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાવી જવાબદાર શાળા સંચાલકો તથા હુમલાખોર વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માગણી કરી હતી. આ અંગે જૂનાગઢ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ICC વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓ છવાયા કપ્તાન રોહિત ફાયદા સાથે ત્રીજા સ્થાને : ગિલ ટોચ પર યથાવત્ March 13, Thu, 2025

Crime

ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન કલાર્ક વિરુધ્ધ રૂ. 36.39 લાખની અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાયો March 13, Thu, 2025