‘ગુજરાતમાં
કાયદો-વ્યવસ્થાની સ્થ્તિ સારી નથી’ એવું નિવેદન વિપક્ષ કરે, વિધાનસભામાં એવો હોબાળો
થાય કે ક્યાંક એવી ચર્ચા થાય તેને ગંભીરતાથી નહીં લેવાની એ પ્રથા ધીમે ધીમે જૂની થતી
જાય છે. પરંતુ નજર સામે જે કંઈ બંને તેને પણ નજરઅંદાજ કેવી રીતે કરી શકાય? કરોડોનું
ડ્રગ્સ ઝડપાય પછી પણ એવું કહેવામાં આવે કે આ તો આપણી સતર્કતા છે. રીઢા ગુનેગાર વારંવાર
અપરાધો કરે પરંતુ હવે યુવાનો અને બાળકોને પણ કાનૂનનો ડર ન હોવાની સ્થિતિ સર્જાઈ રહી
છે.
ધંધુકાના
છાત્રાલય અને ભાવનગરની તાજેતરની ઘટનાઓ ચોંકાવનારી, ચિંતા કરાવનારી છે. ધંધુકામાં પચ્છમ
નામના એક ગામમાં કુમાર છાત્રાલયમાં 9માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર 11મા અને
12મા ધોરણના વિદ્યાર્થીઓએ સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. ‘ટીન એજ’ એટલે કે કિશોરાવસ્થામાં આટલી હદે વાસના મગજ ઉપર સવાર થાય તે બાબત
વાલી, શિક્ષકો અને સમાજના અન્ય વર્ગે વિચારવાલાયક છે. ઉંમર સહજ આવેગ અલગ બાબત છે અને
તેને વશ થઈને આવા કાર્યો કરવા તે અલગ. ધંધુકાના બનાવનું વર્ણન કંપારી છુટે તેવું છે.
સજાતીય દુષ્કર્મ અને તે પણ આ વયે થાય તેના અનેક અર્થો નીકળી શકે. આ બાળકોની મનોવિકૃતિ
માટેના પરિબળો ચકાસવા પડે.
સોશિયલ
મીડિયાને તેમાં જવાબદાર ગણી શકાય પરંતુ તેનો ઉપયોગ તો અત્યંત વ્યાપક પ્રમાણમાં થાય
છે. છાત્રાલય સંચાલકોની જવાબદારી તો અહીં બને જ. છાત્રાલયમાં રહેતો બાળક સુરક્ષિત હોવો
જ જોઈએ. આવું કૃત્ય તે પરિસરની બહાર થયું હોય તો પણ થવું જોઈએ નહીં. આ તરૂણો-કિશોરોની
હજી ઉંમર શું? તે લોકો આવું સાહસ કરે તે બાબત વિચારણીય છે. એક સમય હતો જ્યારે શાળામાં
‘હોમવર્ક’ કર્યા વગર જવાનો પણ વિદ્યાર્થીને ડર લાગતો. આજે આવી ઘટનાની નવાઈ લાગતી નથી.
ભલે અગાઉ પણ આવું બનતું હશે અને આવી ઘટના વર્ષો કદાચ બાર, પંદર, પચ્ચીસ બને. ગુનાને
પ્રત્યેક વખતે સંખ્યા સાથે સંબંધ નથી. જે ધંધુકામાં બન્યું તે વર્ષે એકવાર બને તો પણ
અત્યંત ટીકાપાત્ર છે. ભાવનગરમાં પણ મેડીકલ કોલેજના વિદ્યાર્થી ઉપર રેગિંગ થયું. ચાર
ડોક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. અહીં
પણ પ્રશ્ન એ છે કે આ કૃત્ય કરનાર કોઈ ‘હાર્ડકોર ક્રિમીનલ’ નથી. આવી ઘટનાનો સીધો અર્થ
એ છે કે જ્યાં તેઓ અભ્યાસ કરે છે તે સંસ્થાન, વ્યવસ્થાનો કે પછી પોલીસનો તેઓને ડર નથી.
આમ કરશું તો શું થશે? તેવો સવાલ તેઓને થતો નથી. બાળ કે કિશોર વયે થતા ગુના, જાતીય અપરાધો
પાછળ અનેક મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે. નિજી માલિકીની શાળાઓમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી
આવી સ્થિતિનું પૃથ્થકરણ થાય છે.
શિક્ષણ
વિભાગે આ મુદ્દે વિચાર કરવો જોઈએ. કાયદો કાયદાની રીતે તેનું કામ કરે જ પરંતુ જરૂર હોય
ત્યાં ‘કાઉન્સેલિંગ’ની મદદથી બાળકો-વિદ્યાર્થીઓના તણાવ ઘટે, તેમને જાતિય શિક્ષણ યોગ્ય
દિશા અને પદ્ધતિથી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.