હોળીના
તહેવારને હજી વાર છે, એ પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમે દુબઈ સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ
આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી જીતી 140 કરોડ દેશવાસીઓને ખુશીઓના રંગમાં તરબતર કરી નાખ્યા
છે. ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને ચાર વિકેટથી પરાજય આપી ભારતે લાગલગાટ
બીજી આઈસીસી ટ્રૉફી જીતી છે અને બાર વર્ષ પછી ફરીવાર ચૅમ્પિયન્સ ટ્રૉફી વિજેતા બન્યું
છે. આ વિજય બાદ દુબઈથી લઈ ભારત સુધી હોળી પહેલાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
ભારતનું
એક દિવસીય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બનવું ટીમ સ્પિરિટને આભારી હતું.
પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રૉફીનું યજમાન હતું, પણ ભારતે પાડોશી દેશની ધરતી પર યોજાનારી
આ સ્પર્ધામાં ભાગ લેવાની અક્ષમતા દાખવતાં ભારતની મૅચો દુબઈમાં યોજાઈ. ભારતને બધી જ
મૅચો એક જ મેદાનમાં રમવા મળી એ તેમના માટે લાભદાયક છે, એવી ટિપ્પણી અનેક ટીમો તથા ભૂતપૂર્વ
ખેલાડીઓએ કરી હતી. ભારતે અપનાવેલી ચાર સ્પીનરો (કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અક્ષર
પટેલ અને રવીન્દ્ર જાડેજા) રમાડવાની વ્યૂહરચના સફળ સાબિત થઈ. ફાઇનલમાં રોહિત શર્માની
કૅપ્ટન્સ ઇનિંગ્સ, મિડલ અૉર્ડરમાં શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ અને કેએલ રાહુલની રમતથી
ભારત ફાઇનલમાં વિજયી થયું. આ બધું બહુ લાંબા સમય સુધી ભારતની ક્રિકેટપ્રેમી જનતાને
યાદ રહેશે. આખી ટુર્નામેન્ટમાં ભારતની રમત આક્રમક અૉસ્ટ્રેલિયન ટીમ જેવી રહી, જે
2000ના દાયકામાં વિરોધી ટીમને ખરાબ રીતે રગદોળી નાખતી હતી, આત્મવિશ્વાસ સુધ્ધાં હચમચાવી
નાખતી હતી. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ અને અૉસ્ટ્રેલિયાના રણવીરોને રોહિતે એવી જ રીતે ભોંયભેગા કર્યા હતા.
ભારત
માટે સૌથી મોટા રાહતરૂપ સમાચાર એ રહ્યા કે રોહિત શર્માએ કહ્યું છે કે તે વન-ડે ક્રિકેટમાંથી
નિવૃત્ત થવાનો નથી અને રમતો રહેવાનો છે. ભારતે નવ મહિના પહેલાં જ રોહિતના સુકાનીપદ
હેઠળ જૂન 2024માં દક્ષિણ આફ્રિકાને પરાજિત કરી ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. બે આઈસીસી
ટ્રૉફી અપાવનાર રોહિત ભારતનો બીજા ક્રમનો સૌથી સફળ સુકાની છે. આ પહેલાં મહેન્દ્રસિંહ
ધોનીએ કૅપ્ટન તરીકે ટી-20 વર્લ્ડ કપ 2007, વન ડે વર્લ્ડ કપ 2011, ચૅમ્પિયન્સ ટ્રૉફી
2013 અપાવી હતી. ભારતીય ટીમમાં અત્યારે અનુભવ અને યુવા પ્રતિભાનું ગજબનું કૉમ્બિનેશન
છે. આ સંતુલન હાલની સફળતાનું મોટું કારણ છે. એ તો ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 3-0થી
ટેસ્ટ સિરીઝમાં નાલેશીભર્યો પરાજય અને અૉસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં મળેલી હારને
પગલે ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાંથી બહાર થઈ ગયું અન્યથા લાગલગાટ ચાર
આઈસીસી સ્પર્ધાની
ફાઇનલમાં
ભારત પહોંચ્યું હોત.