-
મોંઘવારીમાં ઘટાડો અને
ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો : રિઝર્વ બેન્ક માટે વ્યાજદર ઘટાડવાની મોકળાશ વધી
નવી
દિલ્હી, તા.12: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનાં કારણે દુનિયાભરનાં
અર્થતંત્રમાં અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે ભારતમાં આર્થિક સ્વાસ્થ્ય માટે
બે સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેન્ક 9 એપ્રિલે દ્વિમાસિક નાણા નીતિની જાહેરાત કરવાની
છે તે પૂર્વ જ મોંઘવારીનાં દરમાં ઘટાડો અને ઔદ્યોગિક ઉત્પાદનમાં થયેલો વધારો હવે કેન્દ્રીય
બેન્ક માટે રેપો રેટમાં ઘટાડો કરવાની મોકળાશ વધારી રહ્યો છે.
રિટેલ
ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં ઘટીને 3.61 ટકા થયો છે. બીજી તરફ મેન્યુફેક્ચારિંગ સેક્ટરના
સારા પ્રદર્શનને કારણે આ વર્ષે જાન્યુઆરીમાં દેશનું ઔદ્યોગિક ઉત્પાદન (આઈઆઈપી) પાંચ
ટકા વધ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના સંદર્ભમાં માપવામાં આવતા ઔદ્યોગિક ઉત્પાદનમાં
જાન્યુઆરી 2024માં 4.2 ટકાનો વધારો થયો હતો.
છૂટક
ફુગાવામાં ઘટાડાનું મુખ્ય કારણ શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો
છે. આ કારણે ભારતીય રિઝર્વ બેંક માટે આગામી મહિને બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનો
અવકાશ સર્જાયો છે. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં 4.26
ટકા અને ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર
કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2025 માટે વાર્ષિક ફુગાવાનો દર 3.75 ટકા
હતો.
ખાદ્ય
ફુગાવો જાન્યુઆરી 2025ની સરખામણીએ ફેબ્રુઆરી 2025માં 222 બેસિસ (જુઓ પાનું 10)
પોઇન્ટ
ઘટયો હતો. ફેબ્રુઆરી 2025માં ખાદ્ય ફુગાવો મે 2023 પછીનો સૌથી નીચો છે. એનએસઓએ જણાવ્યું
હતું કે ફેબ્રુઆરી દરમિયાન મુખ્ય ફુગાવો અને ખાદ્ય ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે
શાકભાજી, ઇંડા, માંસ અને માછલી, કઠોળ અને ઉત્પાદનો અને દૂધ અને ડેરી ઉત્પાદનોના ફુગાવામાં
ઘટાડાને કારણે હતો.
આરબીઆઈને
રિટેલ ફુગાવો 4 ટકા (+/- 2 ટકા) પર જાળવી રાખવાની જવાબદારી સોંપાયેલી છે. ગયા મહિને આરબીઆઈએ ફુગાવાની ચિંતાને હળવી કરવા માટે
રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રીય બેંક 9 એપ્રિલે દ્વિ-માસિક
નાણાકીય નીતિના આગામી સેટની જાહેરાત કરવાની છે. ભારતીય રિઝર્વ બેંક આવતા મહિને રેપો
રેટમાં ઘટાડો કરી શકે છે.
તે
જ સમયે, બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, સરકારે ડિસેમ્બર, 2024 માં
3.2 ટકાના વિકાસના કામચલાઉ અંદાજમાં સુધારો કર્યો છે. હવે તેને વધારીને 3.5 ટકા કરી
દેવામાં આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) ના આંકડા અનુસાર જાન્યુઆરી
2025માં મેન્યુફેક્ચારિંગ સેક્ટરનું ઉત્પાદન 5.5 ટકા વધ્યું હતું, જે એક વર્ષ પહેલા
સમાન મહિનામાં 3.6 ટકા હતું. ખાણ ઉત્પાદનમાં વૃદ્ધિ ઘટીને 4.4 ટકા થઈ ગઈ છે, જે એક
વર્ષ પહેલા સમાન મહિનામાં 6 ટકા હતી. જાન્યુઆરી 2025 માં વીજળી ઉત્પાદનમાં વૃદ્ધિ ઘટીને
2.4 ટકા થઈ ગઈ હતી, જે એક વર્ષ પહેલા સમાન મહિનામાં 5.6 ટકા હતી. ચાલુ નાણાકીય વર્ષના
પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન આઇઆઇપી વૃદ્ધિ એક વર્ષ અગાઉના સમાન ગાળામાં
6 ટકાથી ઘટીને 4.2 ટકા થઈ હતી.