• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રખડતાં શ્વાનોને રાહત

રખડતાં શ્વાનનો મુદ્દો ન માત્ર દિલ્હી, બલ્કે દેશભર માટે ચર્ચા અને ચિંતાનો વિષય છે. જીવદયા ભલે ધર્મ છે, પણ એના લીધે લોકોની સલામતીના ગંભીર પ્રશ્ન ઊભા થતા હોય તો એ અંગે અંકુશ લાદવા જ પડે. નવી દિલ્હી - એનસીઆરમાં મામલો સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો અને પ્રથમ તબક્કે સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું કે રખડતાં શ્વાન રસ્તા પર દેખાવા ન જોઇએ. જીવદયાપ્રેમીઓએ ફરમાનને અમાનવીય ગણાવ્યું. અલબત્ત, શુક્રવારે દેશની સર્વોચ્ચ અદાલતે શ્વાનોને મોટી રાહત આપતાં કહ્યું કે, બધા જ શ્વાનોને  શેલ્ટર હોમમાં રાખવામાં નહીં આવે, બલ્કે નસબંધીની રસી આપીને  તેને છોડી દેવાશે. જોકે, આક્રમક અને હડકવાનાં લક્ષણો ધરાવતા શ્વાનને છોડવામાં નહીં આવે. આ સાથે જ જાહેરમાં શ્વાનોને ખવડાવવા પર દેશભરમાં પ્રતિબંધ મૂકતા સુપ્રીમ કોર્ટે સ્થાનિક પ્રશાસનને રખડતાં શ્વાન માટે ફાડિંગ સેન્ટર બનાવવા કહ્યું છે. એકતરફી કહેવાયેલા ચુકાદામાં મોટી બેન્ચે આપેલા આ નિર્દેશો સંતુલિત અને વ્યવહારુ છે.

રસ્તે રખડતાં શ્વાન અને નવી દિલ્હી તથા આસપાસનાં ક્ષેત્રોમાં તેમણે મચાવેલા આતંકની સર્વોચ્ચ અદાલતે સ્યુઓ મોટો નોંધ લઈ આપેલા ચુકાદાને કારણે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષની લાગણી થઈ હતી. શ્વાનોને દિલ્હી - એનસીઆરની સીમા બહાર તગેડી મૂકવાના આ આદેશને અમાનવીય ગણાવી નિંદા કરવામાં આવી હતી. જોકે, એ પછી ચીફ જસ્ટિસ અૉફ ઈન્ડિયા ગવઈએ આ મામલો જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અજારિયાની ત્રણ જજોની ખંડપીઠને સોંપાયો. આ ખંડપીઠે આપેલા સુધારિત આદેશમાં સ્પષ્ટતા કરી કે શ્વાનોને દિલ્હીની બહાર કાઢી નહીં મુકાય, પણ આ આદેશ રેબીસનો ચેપ ધરાવતા કે આવો ચેપ હોવાની શંકા ધરાવતા તથા આક્રમક વર્તન ધરાવતા શ્વાનોને લાગુ નથી પડતો. અદાલતે આપેલા અપડેટેડ આદેશમાં શ્વાનોને જાહેરમાં નહીં ખવડાવવાનો મુદ્દો સમયોચિત છે. અનેક શહેરોમાં જોવા મળે છે કે, પ્રાણીપ્રેમીઓ રસ્તા પર શ્વાનોને ખાવાનું આપે છે અને આ બાબતે લોકો વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આથી, ચોક્કસ જગ્યાએ જ શ્વાનોને ખાવાનું આપવામાં આવશે, તો તેઓ શેરીમાં અહીંતહીં ભટકતા નહીં જોવા મળે, એવું માનવામાં આવે છે. વળી, આ આદેશ આખા દેશમાં લાગુ થશે, એ પણ સરાહનીય પગલું છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા કે નિરીક્ષણ આખા દેશ માટે બોધપાઠ સમાન હોય છે. તેનું સ્થાનિક સ્તરે અર્થઘટન કરીને નિર્ણય લેવાય એ જરૂરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક