હાસ્યકલાકાર અન્ય કોઈને હાસ્યાસ્પદ બનાવીને પોતાની કળા પ્રદર્શિત કરે કે પોતે પૈસા કમાય તે સાંખી ન લેવાય તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું તે અનેક લોકોની આંખ ઊઘાડનારું છે. હાસ્ય, વ્યંગ્ય, રમૂજ, કટાક્ષ આ બધાના મૂળ તત્વોને સમજ્યા વગર અંગત દ્વેષ કે અંગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવાનું આપણે ત્યાં નવું નથી. ‘સોશિયલ મીડિયા’નો પ્રભાવ વધતાં આવી બાબતોનું પ્રમાણ પણ વધ્યું છે. સ્ટેજ ઉપરથી પ્રદર્શિત થતી રમૂજની સરખામણીમાં ‘યુ ટયૂબ’ કે અન્ય વિજાણુ માધ્યમ થકી તે વધારે ઝડપથી પહોંચે છે. પૈસા અને પ્રસિદ્ધિ બન્ને વધારે મળે તેની લ્હાયમાં વિવેક અને મર્યાદા કલાકારો ચૂકે છે, સર્વોચ્ચ અદાલતનો ઠપકો અહીં અગત્યનો છે.
બાત
કુછ યૂં હૈ કિ, જાણીતા ‘યુ ટયૂબર’ રણવીર અલ્લાહબાદિયા અને સમય રૈનાને સર્વોચ્ચ અદાલતે
બરાબરનો ઠપકો આપ્યો છે. દિવ્યાંગો ઉપર અયોગ્ય ભાષાપ્રયોગ કરવાના મામલામાં રણવીરને વીડિયો
બનાવીને સાર્વજનિક રુપે માફી માગવા કોર્ટે કહ્યું છે. આવા કોમેડી શો કે વીડિયો માટે
એક માર્ગદર્શિકા બનાવવા માટે પણ અદાલતે માહિતી અને પ્રસારણ મંત્રાલયને કહ્યું છે. જે
સૌથી વધારે અગત્યની વાત ન્યાયપાલિકાએ કરી તે એ છે કે ‘પોતાની કમાણી માટે અન્ય કોઈની
મજાક કરી શકાય નહીં. દરેક વ્યક્તિની ગરિમાની રક્ષા થવી જોઈએ.’
આ બે
નામ તો ચર્ચામાં છે બાકી સામાન્ય સ્તરે પણ આવી બેહુદી મજાક થતી રહેતી હોય છે. સમય રૈના,
વિપુન ગોયલ, બલરાજ પરમજીતાસિંઘ ઘઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવર ઉપર એસ.એમ.એ.
ફાઉન્ડેશન દ્વારા થયેલી એક અરજીની સુનાવણીમાં ન્યાયાધીશ સૂર્યકાન્ત અને જોયમાલા બાગચીની
પીઠે હાસ્ય કલાકારોને કહ્યું કે જે માફી તમે અહીં ન્યાયાલયમાં માગી તે જ પોતાના સોશિયલ
મીડિયા એકાઉન્ટ્સમાં પણ માગો.
હાસ્ય
કે રમૂજને કહેવાતા કલાકારો હાંસીનું માધ્યમ ગણે છે. ક્યારેક જ્ઞાતિ કે કોઈ સમાજ ક્યારેક
કોઈ વર્ગ ઉપરના જોક્સ મંચ કે આવા વિજાણુ માધ્યમ થકી પ્રસ્તુત થતા રહે છે. જ્યારે મુદ્રણ
માધ્યમો એકમેવ હતા ત્યારે કાર્ટૂનનો પ્રભાવ હતો. શીર્ષસ્થ નેતાઓના વ્યંગ્યચિત્રો બનતાં,
પ્રકાશિત થતા પરંતુ તેને ખેલદિલીપૂર્વક એટલા માટે લઈ શકાતા કે તેમાં કલાકાર- કાર્ટૂનકર્મીનો
અંગત દ્વેષ કે કોઈ નેતાને ઉતારી પાડવાનો ઈરાદો નહોતો રહેતો.
આજે
વ્યાપક બની રહેલા વિવિધ માધ્યમો ઉપર રજૂ થતી આવી કૃતિઓમાં ઘણીખરી વિકૃતિઓ હોય છે. હાસ્યના
નામે કોઈની ઠેકડી ઊડાડવાની આ વૃત્તિ-પ્રવૃત્તિ સામાજિક સ્વાસ્થ્ય માટે જોખમી છે. હાસ્ય
તો હંમેશાં હળવાશ અને આનંદ આપે, સકારાત્મકતા આપે તેને બદલે આ હાસ્ય કોઈની હાંસી ઊડાવવા
માટે પીરસાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જોયમાલા બાગચીએ તે અભિપ્રાય આ ચુકાદાની
સાથે આપ્યો તે અગત્યનો છે, તેમણે કહ્યું ‘હાસ્યને સારી રીતે લેવાવું જોઈએ, તે જીવનનો
હિસ્સો છે. આપણે પોતાના ઉપર હસીએ છીએ. પરંતુ આપણે જ્યારે અન્યો ઉપર હસવા લાગીએ છીએ
અને સંવેદનશીલતાનું ઉલ્લંઘન કરીએ છીએ. મોટા સમૂહના સ્તર ઉપર હાસ્ય ઉત્પન્ન થાય ત્યારે
તે સમસ્યા ઉભી કરે છે તે વાત આજના તથાકથિત પ્રભાવશાળી લોકોએ ધ્યાને રાખવી જોઈએ.’