આંતરરાષ્ટ્રીય
ક્રિકેટની પીચ ઉપરથી ચેતેશ્વર પૂજારા પેવેલિયનમાં જઈ રહ્યા છે. તેમના હાથમાં રહેલું
બેટ ઊંચું છે અને સૌરાષ્ટ્રવાસીઓના, દેશના ક્રિકેટપ્રેમીઓના મસ્તક ઉન્નત છે ગૌરવથી.
ચેતેશ્વરને ધ વોલ એવું બિરુદ ચાહકોએ આપ્યું હતું. આ ‘દીવાલની મજબૂતી’ સૌએ નજરે નિહાળી
છે. નિવૃત્તિની તેમની ઘોષણા અલબત્ત ચાહકો માટે વસમી છે. ભારતીય ક્રિકેટનો ઈતિહાસ જો
કે આ નામને વર્ષો સુધી સાચવશે. વિવેચકો-તજજ્ઞોએ, સાથી ક્રિકેટર્સે તેમની કારકિર્દી
વિશે ઘણું કહ્યું છે, હજી કહેવાશે. રાજકોટવાસી આ ક્રિકેટ સિતારાની ઓળખ એક લીટીમાં આપવી
હોય તો એવું કહેવાય કે તેની આ સફર તળેટીથી શિખર સુધીની રહી, પરિશ્રમપૂર્ણ, નિષ્ઠાથી
ભરપૂર અને આવડતથી છલકાતી.
ભારતીય
કે વિશ્વ ક્રિકેટના અનેક વિક્રમો સાથે ચેતેશ્વર અરવિંદભાઈ પૂજારાનું નામ જોડાયેલું
રહેશે. એક જ ઈનિંગમાં 500થી વધારે દડાનો સામનો કરનાર તે માત્ર એક ભારતીય બેટર. ફર્સ્ટક્લાસ
ક્રિકેટમાં 19 બેવડી સદી, ટેસ્ટમેચના પાંચેય દિવસ બેટીંગ..આવું ઘણુ બધું. 103 ટેસ્ટમેચ, 176 ઈનિંગ, 7195 રન, ફર્સ્ટ ક્લાસ
ક્રિકેટમાં 66 સદી, 81 અર્ધ સદી. ચેતેશ્વરના આ રેકોર્ડ છે. નિષ્ણાતો કહે છે, રાહુલ
દ્રવીડ પછી ટેક્નિકલી પર્ફેક્ટ હોય તેવો ભારતનો તે એકમાત્ર ક્રિકેટર. 2005માં સૌરાષ્ટ્રની
ટીમ વતી રણજી ટ્રોફીમાં પ્રવેશ, 2010માં આંતરરાષ્ટ્રીય સ્તરે કૌશલ્ય બતાવવાનું શરૂ
કર્યું. પિતા ક્રિકેટર અને કોચ પણ ખરા. કાકા બિપીન પુજારાની પણ રણજીમાં કારકિર્દી.
રાજકોટની સ્વ. રમેશભાઈ છાયા સ્કૂલનો વિદ્યાર્થી ચેતેશ્વર આજે વિદાયવેળાએ એવું લખે કે
બાળપણથી મેં સિતારાઓને જોયા અને ધ્યેય નક્કી કર્યાં હતા. મેદાન ઉપર રાષ્ટ્રગાન ગાવું,
ભારતીય ક્રિકેટ ટીમની જરસી પહેરવી આ બધું વર્ણવવું મુશ્કેલ છે.
ચેતેશ્વરની
કારકિર્દી પણ એમ તો ટૂંકમાં વર્ણવવી ક્યાં સહેલી છે! વિશ્વક્રિકેટમાં, ક્રિકેટના વિશ્વમાં
જેનું નામ ચમકે છે તે ચેતેશ્વરને ‘ફૂલછાબ એવોર્ડ’થી પણ સન્માનિત કરાયા છે. ક્રિકેટ
કોચ ગૌતમ ગંભીરે સાચું જ લખ્યું કે તોફાન જ્યારે આવ્યું ત્યારે ચેતેશ્વર અડગ રહ્યો
હતો. ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય તેમાં પરિશ્રમ હોય એટલે સામાન્ય રીતે ખેલાડીઓ
માંસાહાર કરતા હોય પરંતુ ચેતેશ્વર પૂજારા શાકાહારી રહ્યા. તેમનું આધ્યાત્મિક જોડાણ
પણ પૂ. હરિચરણદાસજી સાથે રહ્યું. આ તમામ બાબતો પણ આજે તેમની નિવૃત્તિ વેળાએ નોંધપાત્ર
છે. ભારતીય ક્રિકેટનો એક અગત્યનો કાળખંડ, એક નોંધપાત્ર તબક્કો નામે ચેતેશ્વર પૂર્ણ
થયો છે પરંતુ તેઓ જ્યારે ‘ઈનિંગ ઓફ ધ ઈનિંગ્સ’ પૂર્ણ કરીને જઈ રહ્યા છે ત્યારે બધેથી
તાળીના ગડગડાટ સંભળાઈ રહ્યા છે.