મતદારયાદીમાં
અપૂર્વ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ બિહાર ધમરોળી રહ્યા
છે, કોંગ્રેસના ગણ્યાં-ગાંઠયા કાર્યકર્તાઓ રેલી યોજીને શાસકોને ગાદી છોડવાનું કહી રહ્યા
છે તેની વચ્ચે બિહારની ચૂંટણીમાં મતદાન માટે જે 11 દસ્તાવેજની સૂચિ હતી તેમાં આધારકાર્ડ
પણ સામેલ રાખવાનું સર્વોચ્ચ અદાલતે કહી દીધું છે. મતદારયાદીને માધ્યમ બનાવીને એક આંદોલન
કરી રહેલા વિપક્ષ માટે આ આંચકો છે. મતદારયાદી પુન: નિરીક્ષણનો મુદ્દો પણ બિહારથી જ
શરૂ થયો હતો અને પછી આખા દેશમાં આ પ્રક્રિયા હાથ ધરવાનું કેન્દ્રીય ચૂંટણીપંચે શરૂ
કર્યું હતું. સાથે જ સંસદમાં અને શેરીઓમાં પણ વિપક્ષ આ મુદ્દો લઈને ફરી રહ્યો છે.
સર્વોચ્ચ
અદાલતે વોટરલિસ્ટમાં નામ સમાવવા માટે આધારકાર્ડને પણ આધારભૂત ગણવાનો આદેશ કરીને બિહારના
મતદારોને રાહત આપી છે. આવું ન કરવા પાછળ ચૂંટણીપંચનો તર્ક એ હતો કે આધારકાર્ડ તો કદાચ
નકલી પણ હોઈ શકે. તેથી તેનો ઉપયોગ થઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલતે આ આદેશ કર્યા પછી ઓનલાઈન
આવેદનનો વિકલ્પ પણ આપી દીધો છે. વોટચોરીનો મુદ્દો બુલંદ સ્વરે ગજાવતા વિપક્ષે વળી આ
નિર્ણયનું પણ સ્વાગત કર્યું છે. જ્યારથી ‘વોટચોરી’નો આક્ષેપ સંગીન રીતે થયો છે, દેશભરના
માધ્યમોમાં અને સામાન્ય લોકોની વાતોમાં એ જ ચર્ચા છે. સ્વાયત્ત ગણાતી વ્યવસ્થા ચૂંટણીપંચની
પ્રતિષ્ઠા અને નિષ્પક્ષતા સામે સવાલ ઊભા થયા છે. ચૂંટણી કમિશનર કોના માનીતા છે? તેવા
સવાલો ઊભા કરતા વીડિયો વાયરલ છે.
જાતિ
જનગણના, ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દાની ચર્ચા સર્વત્ર ચાલી રહી હતી તેમાં અચાનક આ વોટચોરીનો
મુદ્દો આવી ગયો, ચૂંટણીપંચના અધિકારીઓ ઉપર વિપક્ષે તડાપીટ પણ બોલાવી. ભારતીય જનતા પાર્ટી
અને તેના સમર્થકો સ્વાભાવિક રીતે બચાવમાં સક્રિય થયા જ છતાં દેશનો સજાગ નાગરિક એકવાર
વિચાર તો કરતો થઈ જ ગયો કે ખરેખર શું મતદારયાદીમાં આવા ગોટાળા હશે? અલબત્ત, આ હજી મોટો
પ્રશ્નાર્થ છે. ઉલટું હવે તો અદાલતે વિપક્ષને પ્રતિપ્રશ્ન કર્યો છે કે મતદારયાદીમાં
લોકોના નામ ઉમેરાવવામાં તમે કેમ મદદ કરતા નથી? આમ પણ આ મુદ્દો થોડા દિવસથી નબળો પડી
ગયો હતો તેમાં સર્વોચ્ચ અદાલતના આ આધારવાળા આદેશને લીધે વિપક્ષની સામે પણ સવાલ ઊભા
થયા છે.
ચૂંટણીપંચે
જો કે મતદારયાદી પુન:નિરીક્ષણ પ્રક્રિયાની સમયાવધિ વધારવાનો પણ સ્પષ્ટ ઈનકાર કર્યો
છે તે નોંધવા લાયક છે. મુદ્દો કોઈ પણ હોય તે ઉઠાવવાનો વિપક્ષનો અધિકાર છે. લોકશાહી
માટે ચૂંટણી અને ચૂંટણીપંચ બન્ને અગત્યની બાબત છે. વિપક્ષ તે મુદ્દે જાગ્યો, લોકોને
જગાડયા તે સારી વાત છે. તેના આક્ષેપો સાચા ઠરે તો તેની પીઠ પ્રજા થાબડે પરંતુ ‘િસર્ફ
હંગામા ખડા કરના..’ એવા મકસદથી જો વિરોધ થતો હોય તો સર્વોચ્ચ અદાલત આ વલણ અપનાવે તેમાં
પણ ખોટું નથી. આખરે સવાલ સરકાર કરતાં પણ ચૂંટણીપંચ જેવા સંસ્થાન કે વ્યવસ્થાની વિશ્વસનીયતાનો
છે. પ્રજાના મનમાં એકવાર સંશય ઉત્પન્ન થાય તો તે લાંબાગાળે નુકસાનકારક સાબિત થઈ શકે.