• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

કંઢેરાઇમાં 500 ફૂટ ઊંડા બોરમાં યુવતી પડી: બચાવકાર્ય પૂરજોશમાં

સોમવારે વહેલી સવારે જાણ થતાં પોલીસ,  એનડીઆરએફ, બીએસએફ, લશ્કર, ફાયરની ટીમોની મોડીરાત સુધી મહામહેનત

આશ્ચર્યજનક રીતે યુવતી બોરમાં કેમ પડી તેની સામે ઊભા થતા અનેક સવાલો : બોરમાંથી અવાજ આવતો હોવાથી ખબર પડી

કુકમા (તા. ભુજ) તા. 6 : ભુજ તાલુકાના કંઢેરાઈ વાડીવિસ્તારમાં આવેલી એક વાડીના 450થી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ઈન્દિરાબેન મીણા (21 વર્ષ) ખાબકતાં બચાવ ટીમની સાથોસાથ પૂરું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર, આરોગ્યની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ યુવતીની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા ઘટનાસ્થળે એસ.પી. વિકાસ સુંડા, કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી અનિલ જાદવ, મામલતદાર એ.એલ. શર્મા સહિતના અનેક અધિકારીઓ આવી પહોંચ્યા હતા. 108, અન્ય એમ્બ્યુલન્સો, ફાયરની ટીમ, ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર (ગાંધીધામ)નું ક્રેન વ્હીકલ, એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટાફ વિગેરેનું રેસ્કયૂ ઓપરેશન શરૂ હોવાનો ધમધમાટ ઘટનાસ્થળે  કચ્છમિત્રના કુકમાના પ્રતિનિધિ કલ્પેશ પરમાર પહોંચ્યા ત્યારે જોવા મળ્યો હતો, પરંતુ અંદાજે 450-500 ફૂટની ઊંડાઈએથી યુવતીને બહાર કાઢવામાં મુશ્કેલી અનુભવાઈ હતી. કેમેરા વાયર બોરવેલમાં ઉતારતાં ક્રીન પર અનેક ફૂટ ઊંડે ફસાયેલી યુવતી દેખાતી હતી. બોરવેલ અંદર ઓક્સિજન પુરવઠો પણ પહોંચાડાઈ રહ્યો હતો. ઓક્સિજનનો જથ્થો ખૂટે નહીં તે માટે જનરલ હોસ્પિટલ-ભુજથી ઓક્સિજનની વ્યવસ્થા હાજર હતી.

બોરવેલની આટલી સાંકડી જગ્યામાં અકસ્માતે 21 વર્ષીય યુવતીનું પડવું આશ્ચર્યજનક હોવાનું સ્થળ પરના લોકો જણાવી રહ્યા હતા. સ્થળ પરથી મળતી અન્ય માહિતી મુજબ આ બોરવેલના ખાડા પર ઘમેલું ઢાંકીને તેના પર ત્રણ મોટા પથ્થર મૂકવામાં આવ્યા હતા, તો આ ઘટના બની કેમ ? આ બાબતે તેના કૌટુંબિક ભાઈ લાલસિંહને પૂછતાં તેમણે કહ્યું કે, મને વહેલી સવારે ઘટનાની જાણ થતાં મેં વાડી માલિક અને અન્યોને જાણ કરી હતી. વધુ મને કંઈ ખબર નથી. આ યુવતીના માતા-પિતા પણ ન હોવાનું જાણવા મળ્યું છે. બીજીતરફ થોડા માસ પૂર્વે ઇન્દિરાબેનની સગાઇ રાજસ્થાન થઇ છે. ગઇકાલે રાતે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી. કોઇ?વાતને લઇને મનદુ:ખમાં તેણે જાતે જ આ પગલું ભરી લીધાની વાતો ચર્ચાતી હતી.

ધાણેટી-કંઢેરાઈનો આરોગ્ય સ્ટાફ પણ મદદે આવ્યો હતો. પદ્ધર પોલીસ ઉપરાંત કંઢેરાઈ સરપંચ શંકરભાઈ, પદ્ધરના રાજેશ આહીર, કુકમાના ઉપસરપંચ ભરતસિંહ સોઢા, દામજી મહેશ્વરી વગેરે અનેક આગેવાનો બનતી મદદ પહોંચાડવા આવ્યા હતા. બચાવ કામગીરીમાં વેલ્ડિંગ મશીનની જરૂર પડતાં પાસેની વાડીમાં કામ કરતા કુકમાના યુવાન રીતેશ પરમાર પોતાનું કામ છોડીને સાધન સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બોરવેલની કામગીરીથી સંકળાયેલા કુકમાના રાજેશ આહીર અને શૈલેશ આહીર, જિજ્ઞેશ આહીર, બિહારીભાઈ સવારથી જ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં જોડાયેલા છે. છેક ભચાઉથી ફાયર વગેરેની ટીમો પહોંચી છે. બી.એસ.એફ. અને આર્મીના જવાનોની પણ મદદ લેવામાં આવી રહી છે. મોડીસાંજે એન.ડી.આર.એફ. ગાંધીનગરની ટીમ ત્યાં પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભોગ બનનાર યુવતી સાથે કામ કરતા અન્યો અવાચક અવસ્થામાં સાઈડમાં બેસીને બચાવ કામગીરી નિહાળી રહ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક