ઠંડી
મોસમને લીધે શાકભાજીમાં ઉતારો વધ્યો, રાજકોટમાં રોજ 38 લાખ કિલો શાકભાજીની આવક
રાજકોટ,
તા.7 (ફૂલછાબ ન્યૂઝ): સસ્તાં શાકભાજી વિના શિયાળાની સ્પેશિયલ વાનગી ઉંધિયું ખર્ચાળ
બને છે, અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી પણ હવે લીલાં શાકભાજીના ભાવ નીચાં આવતા ઉંધિયું
ઘરઘરમાં છાસવારે બનવા લાગ્યું છે. ગાજર, ટમેટાં, ફ્લાવર, રીંગણા, વાલોળ, ચોળી, ગુવાર,
વટાણા, લીલાં વાલ, લીલી તુવેર બધાં શાકભાજી ઘણાં સસ્તાં થઈ ચૂક્યાં છે. ડુંગળી અને
લસણ મોંઘા છે પણ એ સિવાય બધા મોરચે રાહત છે. પાછલા મહિનામાં 10-20 ટકા જેટલો ભાવઘટાડો
થયો છે. તમામ શાકભાજી પ્રતિ કિલો સરેરાશ રૂ.15થી 40 સુધી મળવા લાગ્યા છે.
રાજકોટ
માર્કેટ યાર્ડમાં રોજ 35થી 38 લાખ કિલો શાકભાજી આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં
શાકભાજીની ભરપૂર આવક લોકલ ઉપરાંત બીજાં રાજ્યોમાંથી પણ થાય છે. શાકભાજીનાં વાવેતર ખૂબ
છે એટલે માત્ર અહીં ન પાકતી હોય તેવી ચીજો જ વેપારીઓ મગાવે છે. શાકભાજીમાં અત્યારે
રનિંગ માગ છે પણ સપ્તાહના અંતમાં સંક્રાંત માટેની ઘરાકી ખૂલશે, શાકભાજીની માગ ખૂબ વધશે.
રાજકોટ
યાર્ડમાં દેશાવરથી આવતી હોય તેવી ચીજોમાં વટાણા મધ્યપ્રદેશના આવે છે. લાલ મરચાં કે
જેમાંથી કેચઅપ બને છે તે મધ્યપ્રદેશથી લાવવામાં આવે છે. જોકે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી
મરચાં આવે છે. ગાજર ઇડર તથા લોકલ આવે છે. એ ઉપરાંત ટમેટાં આણંદ અને તારાપુરથી મગાવાય છે. બટાટા ડિસાથી આવે
છે. ઠંડી પાછલા એક મહિનાથી ખૂબ સારી છે એટલે શાકભાજીમાં ઉતારો વધ્યો છે.
રાજકોટ
યાર્ડના એક વેપારી કહે છે, અગાઉ છેવટ સુધી સતત વરસાદ અને માવઠાં પડવાને લીધે શાકભાજીમાં
બગાડ ઘણો હતો. ભાવ પણ ખૂબ વધી ગયા હતા. જોકે હવે ઉતારા વધારે છે. શિયાળુ શાકભાજીનાં
વાવેતર પણ વધારે છે. માર્ચ સુધી હવે શાકભાજી સસ્તાં મળવાની ગણતરી છે. માગ વધે તો થોડો
ભાવવધારો આવશે પણ એકંદરે શાકભાજી મોંઘા થાય તેમ નથી.