-
ગડકરીનું મોટું એલાન : માર્ગ અકસ્માતમાં દોઢ લાખ
રૂપિયા સુધી મફત ઈલાજ : માર્ચ 2025થી લાગુ થશે
નવી
દિલ્હી, તા. 8 : કેન્દ્ર સરકાર દ્વારા સડક દુર્ઘટનામાં ઘાયલ થનારા લોકો માટે એક મોટું
એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું છે કે, સડક દુર્ઘટનામાં ઘાયલ
થનારા લોકોને ધ્યાને લઈને સરકારે એક નવી યોજના શરૂ કરી છે. જેને કેશલેસ ટ્રીટમેન્ટ
નામ આપવામાં આવ્યું છે. ગડકરીએ કહ્યું હતું કે, એક્સિડન્ટ થવાના 24 કલાકની અંદર પોલીસ
પાસે સૂચના જશે, સાત દિવસ સુધી અથવા તો વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનો ઇલાજનો ખર્ચ સરકાર
તરફથી આપવામાં આવશે.
નીતિન
ગડકરીએ કહ્યું હતું કેશલેસ ટ્રીટમેન્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમુક રાજ્યમાં શરૂ કરવામાં
આવી હતી અને હવે તેમાં તમામ ખામીઓને દૂર કરીને ફરીથી લાગુ કરવામાં આવી રહ્યો છે. જેનાથી
પીડિતો અને તેમના પરિવારને ફાયદો થશે. વધુમાં હિટ એન્ડ રનના કેસમાં જો કોઈનું મૃત્યુ
થશે તો સરકાર બે લાખ રૂપિયા આપશે.
આ યોજના
માર્ચ 2025થી અમલી થશે. આ નવી યોજના હેઠળ લોહિયાળ દુર્ઘટનાઓમાં ઈજાગ્રસ્ત થતા લોકોની
જિંદગી બચાવવા સારી સારવારની સુવિધા આપવાનું સરકારનું લક્ષ્ય છે. ગડકરીએ કહ્યું હતું
કે, આ યોજના હેઠળ રસ્તા પર થતા દરેક પ્રકારના અકસ્માતોની ઘટનાઓના ઘાયલોને લાભ મળશે.
આ યોજનાનું સંચાલન કરવાની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (એનએચએ)ની હશે. યોજના
માટે વિશેષ આઈટી પ્લેટફોર્મ વિકસાવાશે. ખાસ જાણવા જેવી હકીકત એ છે કે, યોજનાનો લાભ
લેવા માટે કોઈ અરજી કરવાની પણ જરૂર નહીં રહે. માર્ગ પરિવહન મંત્રાલયની ઈ-ડિટેઈલ્સ એક્સિડેન્ટ
રિપોર્ટ (ઈડીએઆર) એપ બનશે. આ એપ પર પોલીસ અને હોસ્પિટલે સાથે મળીને દુર્ઘટનામાં ઘાયલોનું
વર્ણન નોંધાવવાનું રહેશે. ત્યારબાદ આ યોજના હેઠળ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં મફત સારવાર
અપાશે.
કેન્દ્રીય
મંત્રીએ આગળ કહ્યું હતું કે, 2024ના વર્ષમાં 1.80 લાખ મૃત્યુ સડક દુર્ઘટનામાં થયા છે.
આ ઉપરાંત 30 હજાર લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાનાં કારણે થયાં છે. જેમાં 18થી 34
વર્ષના 66 ટકા લોકો છે. ગડકરીએ કહ્યું હતું કે, શાળામાં એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટની
યોગ્ય વ્યવસ્થા ન હોવાનાં કારણે 10,000 બાળકો જીવ ગુમાવી ચૂક્યા છે. સડક નિયમો જેમ
કે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું અને સિગ્નલનું પાલન ન કરવા વગેરેના કારણે પણ લોકોએ જીવ
ગુમાવવો પડયો છે.
ગડકરીએ
કહ્યું હતું કે, સરકાર ઇ રિક્શા માટે પણ સુરક્ષા સ્ટાર રેટિંગ શરૂ કરવાની યોજના બનાવી
રહી છે. સરકાર વાણિજ્યિક ખાસ કરીને ભારે વાહનોથી
થતા અકસ્માતને રોકવા ઇમર્જન્સી બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવરને ઉંઘ આવવા ઉપર ઓડિયો એલર્ટ
મિકેનિઝમ વગેરે ઉપર કામ થશે.