કપ્તાન રોહિત અને વિરાટની પસંદગી નિશ્ચિત સમાન : BCCI એક-બે દિવસમાં ટીમ જાહેર કરશે
મુંબઈ, તા.8: ચેમ્પિયન્સ ટ્રોફીની ભારતની 1પ ખેલાડીની ટીમ એક-બે દિવસમાં બીસીસીઆઇ જાહેર કરશે. ટીમ જાહેર કરવાની આઇસીસીની ડેડલાઇન 12 જાન્યુઆરી છે. ઓસ્ટ્રેલિયામાં ખરાબ દેખાવ કરનાર કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આ વન ડે ટૂર્નામેન્ટમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની જગ્યા પાકી નથી. મોહમ્મદ શમી ચેમ્પિયન્સ ટ્રોફીથી ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે અને યશસ્વી જયસ્વાલને પહેલીવાર વન ડે ટીમમાં જગ્યા મળી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને એ પહેલા રમાનાર ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વન ડે શ્રેણીની ટીમ એક સમાન જ હશે.
વન ડે વર્લ્ડ કપના ફાઇનલ પછી ભારતે માત્ર 6 વન ડે મેચ રમ્યા છે. જેમાં શમી અને જાડેજાને વિશ્રામ મળ્યો હતો. શમીનો ઇજાગ્રસ્ત હતો. રાહુલને શ્રીલંકા અને આફ્રિકા સામેની વન ડે ટીમમાં સામેલ કરાયો હતો. અનફિટ હોવાથી રાહુલ શ્રીલંકા સામેની સિરીઝ વચ્ચેથી બહાર થયો હતો. તેના સ્થાને પસંદગીકારો સંજૂ સેમસનને પસંદ કરી શકે છે. તેણે પાછલી ટી-10 શ્રેણીમાં જબરદસ્ત દેખાવ કર્યોં હતો. રિપોર્ટ અનુસાર ઋષભ પંત પહેલી પસંદનો વિકેટકીપર હશે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં વોશિંગ્ટન સુંદરની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે. જ્યારે રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલ પસંદ થઇ શકે છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવની ફિટનેસ આધારે પસંદગી થશે. તે વિજય હઝારે ટ્રોફીનો એક પણ મેચ રમ્યો નથી. રવિ બિશ્નોઇ અને વરુણ ચક્રવર્તી પણ રેસમાં છે.
મોહમ્મદ શમીની ફિટનેસ પર હજુ ચિત્ર સ્પષ્ટ નથી. તે ખુદને ફિટ બતાવી રહ્યો છે, પણ બીસીસીઆઇની મેડિલક ટીમ તરફથી કોઇ અપડેટ સામે આવ્યા નથી. બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ફિટ હશે. પરંતુ જો તે રમી શકશે નહીં, તો શમીનો અનુભવી ભારતીય ટીમને કામ આવશે. ઝડપી બોલર તરીકે મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંઘ, આવેશખાન, પ્રસિદ્ધ કૃષ્ણા પસંદગી માટે ઉપલબ્ધ છે.
હાર્દિક પંડયા ઓલરાઉન્ડર તરીકે હશે. નીતીશ રેડ્ડી પર પસંદગીકારો દાવ ખેલી શકે છે. રિંકુ સિંઘ અને તિલક વર્મા અને શુભમન ગિલની પસંદગી નિશ્ચિત માનવામાં આવે છે.